ગુજરાતના છેવાડા એવા ઓખાથી મુંબઈ સુધી છેલ્લા અડધી સદી કરતાં વધુ સમયથી નિયમિત રીતે દોડતો સૌરાષ્ટ્ર મેઈલ ખાસ કરીને હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત સમગ્ર હાલાર પંથકના મુંબઈ જવા ઈચ્છતા મુસાફરો માટે આશીર્વાદરૂપ સમાન છે. કોરોના પરિસ્થિતિ દરમ્યાન સૌરાષ્ટ્ર મેઈલના સમયગાળામાં ફેરફાર થયો છે. હાલની પરિસ્થિતિમાં સૌરાષ્ટ્ર મેઈલને અગાઉના ટાઇમ સીડયુલ મુજબ પુન: દોડાવવામાં આવે તે માટેની રજૂઆત ખંભાળિયાના પાલિકાના હોદ્દેદારો દ્વારા સાંસદ વિગેરેને કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર મેઈલ ઓખાથી હાલ બપોરે 11 વાગ્યે ઉપડી, પોણા વાગ્યે ખંભાળિયા, દોઢેક વાગ્યે જામનગર, જ્યારે મધરાત્રે આશરે સાડા ત્રણેક વાગ્યે મુંબઈ પહોંચે છે. જેના કારણે મુંબઈ જવા ઇચ્છતા મુસાફરો પારાવાર હાલાકીનો સામનો કરે છે. કોવિડ પરિસ્થિતિ પૂર્વે સૌરાષ્ટ્ર મેઈલ બપોરે એકાદ વાગ્યે ઓખાથી ઉપડી પોણા ત્રણ વાગ્યે ખંભાળિયા પહોંચી અને સવારે છ વાગ્યે આસપાસ મુંબઈમાં પ્રવેશે તો. આ સમય ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લા તથા જામનગર જિલ્લાની જનતા માટે આશીર્વાદરૂપ હતો.
પરંતુ સમયના નવા ફેરફારથી મધરાત્રિના સમયે મુંબઈ પહોંચી, મુસાફરોને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડે છે. એટલું જ નહિ, ખંભાળિયાના રેલવે સ્ટેશનમાં સૌરાષ્ટ્ર મેલના અપ તથા ડાઉનની બંને ટ્રેનોનું ક્રોસિંગ રાખવામાં આવ્યું છે. જો અગાઉના સમય મુજબ સૌરાષ્ટ્ર મેઈલને દોડાવવામાં આવે તો અહીં પ્લેટફોર્મના કારણે ખાસ કરીને નાના બાળકો તથા વૃદ્ધોને આ અંગેની હાલાકીમાંથી મુક્તિ મળી રહે. જેથી સૌરાષ્ટ્ર મેઈલના સમયમાં ફેરફાર કરવામાં આવે તો મુસાફરોને સમય તથા ક્રોસિંગ સંદર્ભે સુગમતા રહે.
આ સમગ્ર બાબતે ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, તથા કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય દ્વારા સાંસદ તથા રેલવે મંત્રીને લેખિત રજૂઆત કરી સૌરાષ્ટ્ર મેઈલનો મુંબઈ જવાનો સમય બદલવા માટેની રજૂઆત કરી છે.