જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મચારી ઉપર ખોટો પગાર ચઢાવી ઉચાપાત કરવાની મેડીકલ ઓફિસર દ્વારા કરાયેલી ફરિયાદમાં પોલીસ તપાસ ચાલુ છે. દરમ્યાન ગુજરાત રાજ્ય સરકારી ચોથા વર્ગના કર્મચારી મહામંડળ જિલ્લા યુનિટ જામનગરના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને લેખિત જાણ કરી નિષ્પક્ષ તપાસ કરવા રજૂઆત કરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલી ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મચારી ઉપર ખોટો પગાર ચઢાવી ઉચાપાત કર્યાની જી. જી. હોસ્પિટલના મેડીકલ ઓફિસર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદની તપાસ ચાલુ છે. અગાઉ પણ જી. જી. હોસ્પિટલમાં આઉટ સોર્સિંગ કર્મચારી દ્વારા ઉચાપાત કરાયાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. આ ફરિયાદ મામલે ગુજરાત રાજ્ય સરકારી ચોથા વર્ગના કર્મચારી મહામંડળ જિલ્લા યુનિટ જામનગરના પ્રમુખ અનિલભાઇ બાબરીયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી અને આ ઉચાપાતની ફરિયાદમાં વર્ગ 4નો કર્મચારી ઘણાં લાંબા સમયથી ઉચાપાત કરે છે તેવી ફરિયાદ નોંધાઇ હતી. પરંતુ શું આટલા લાંબા સમયથી વર્ગ 4નો કર્મચારી ઉચાપાત કરતો હોય અને ઉચ્ચ અધિકારીઓને આ મામલે જરા પણ ખબર ન હોય તેવું બની શકે? આ ફરિયાદમાં અધિકારીઓને છટકબારી થઇ શકે તે માટે નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે. ઘણાં સમયથી ચાલતા આ કૌભાંડમાં વર્ગ 4ના કર્મચારીની સાથે મોટા અધિકારીઓની સંડોવણી અને ભાગબટાઇ પણ હોય છે. બધા બીલોમાં અધિકારીઓની સહી થયા પછી જ ટ્રેઝરી ઓફિસમાં જાય છે અને ત્યારબાદ બીલો પાસ થતાં હોય છે.
આ ઉચાપાત પ્રકરણમાં અધિકારીઓની સંડોવણી તપાસવાની જવાબદારી તપાસનીસ અધિકારીની છે. તેમજ આઉટ સોર્સિંગ એજન્સી સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ વહીવટી અધિકારીને બીલ મૂકે છે. અને તે અધિકારી તપાસ કરી અને પછી જ બિલમાં સહીઓ કરે છે. તો શું આ બધા અધિકારીઓ બીલો જોયા વગર જ સહી કરે છે? મેડીકલ ઓફિસર, વહીવટી અધિકારી અને એકાઉન્ટ ઓફિસર પણ આ ઉચાપાતમાં સામેલ હોવાની અને આઉટ સોર્સિંગ એજન્સી સાથે સંકળાયેલા હોવાની શકયતા નકારી શકાતી નથી. આ ઉચાપાત પ્રકરણમાં મોટા અધિકારીઓની સંડોવણી અંગે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી ચોખ્ખુ થઇ જાય તેવી અમારી માંગણી છે તેમ જણાવાયું હતું.


