જામનગરમાં આઇઝેન કોમ્યુનિકેશન પ્રા. લિ.ના પ્રમોટર દ્વારા દુબઇમાં રોકાણ કરી તગડા વ્યાજની લાલચ આપી શહેરના આસામીને શીશામાં ઉતારી વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરવા અંગે રોહિતસિંહ પૃથ્વીસિંહ વાળા દ્વારા જિલ્લા પોલીસ વડાને પાંચ આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ કરી કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે.
આ બનાવની વિગત અનુસાર જામનગરમાં પટેલ કોલોનીમાં રહેતા રોહિતસિંહ પૃથ્વીસિંહ વાળાને આઇઝેન કોમ્યુનિકેશન પ્રા. લિ.ના પ્રમોટર હિતેશ કાંતિલાલ બારડ દ્વારા વર્ષ 2018-19માં પોતાની ઓળખાણ આપી આઇઝેન કોમ્યુનિકેશન પ્રા. લિ.ના જામનગર ખાતે પ્રમોટર હોવાનું જણાવી આ કંપનીના સીએમડી સંદિપસિંઘ, એમ.ડી. ધિરજસિંઘ તથા સીઇઓ અજીત પાંડેય સાથે પરિચય કરાવી ફરિયાદીને કંપની વિશેની અલગ અલગ સ્કીમ અંગેની માહિતી આપી કંપનીમાં જોડાવા માટે ઓફર કરી હતી. આરોપી દ્વારા ફરિયાદીને કંપનીની વિરુધ્ધ પોડકટ વિશે તથા સરકારી ખાતામાંથી મેળવેલ સર્ટીફીકેટો અને કંપનીના ડિરેકટર વિશે માહિતી આપી અલગ અલગ સ્કીમ સમજાવી હતી અને કંપનીમાં રોકાણ કરવાથી સારુ વળતર મેળવી શકાશે. તેઓ વિશ્ર્વાસ આપી કંપનીમાં મેમ્બર તરીકે જોડાવા કાર્યવાહી કરવામાં આવી હતી.
ત્યારબાદ ફરિયાદીને કંપનીમાં પ્રથમ એજન્ટ તરીકે જોડી થોડા સમય બાદ કંપનીના એક મેમ્બર તરીકે નિમણૂંક અપાઇ હતી. ત્યારબાદ ફરિયાદીએ કંપનીમાં જોડાયા બાદ ગ્રાહકો બનાવી રૂા. 7 લાખ 52 હજારનું કંપનીમાં રોકાણ કરાવવામાં આવ્યું હતું. જોડાણ બાદ ફરિયાદી દ્વારા એજન્ટોની નિમણૂંક કરવામાં આવી હતી અને જેમની નિમણૂંક થતી તેમના માટે કંપની દ્વારા મિટિંગ અને વર્કશોપ યોજાતો હતો તથા કંપની દ્વારા અલગ અલગ પ્રોડકટ બહાર પાડવામાં આવતી પરંતુ ફરિયાદીને આ પ્રોડકટ મોકલવાની હોય, તેમ છતાં ફરિયાદી સુધી પ્રોડકટ પહોંચી ન હતી. ફરિયાદીએ કરેલ રોકાણ મુજબ રોજ અલગ અલગ રકમ પરત કરવામાં આવતી અને સમયાંતરે તેમાં કંપની તરફથી વળતર જમા કરવામાં આવતું પરંતુ ડિસેમ્બર 2018થી બંધ કરવામાં આવ્યું. આ અંગે ભોપાલ ખાતે કંપનીના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો ન હતો.
આ ઉપરાંત નરેન્દ્રસિંહ જેઠવાએ પણ આ અંગે ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2018માં આ સ્કીમ બતાવવામાં આવી હતી. જેમાં આઇડી દીઠ રૂા. 4000 લેવાતાં હતાં અને નરેન્દ્રસિંહ દ્વારા પણ 950 જેટલા આઇડી ખોલાવવામાં આવ્યા હતાં. તગડુ વ્યાજ આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી નાણા કંપની દ્વારા ઉઘરાવવામાં આવ્યા હતાં. જેમાં શહેરના ડોકટરો, વેપારીઓ, વકીલોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. એક અંદાજ મુજબ જામનગર જિલ્લામાં પાંચથી સાત કરોડનું રોકાણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. શરુઆતમાં 60 દિવસે પેમેન્ટ થતું હતું. શનિ-રવિ દરમિયાન પેમેન્ટ આવતું ન હતું. પરંતુ ત્યારબાદ પેમેન્ટ આવતું બંધ થઇ જતાં રોકાણકારોમાં દોડધામ મચી જવા પામી છે.
ફરિયાદીએ આઇઝેન કોમ્યુનિકેશન પ્રા. લિ.ના પ્રમોટર હિતેશ બારડને હિસાબ માટે માગણી કરતાં તેમણે ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને ‘તમે તમારા રૂપિયાનું જાણો, હું કંઇ કરી શકુ નહીં’ તેવું જણાવી આ અંગે હાથ ઉંચા કરી દીધા હતાં. આમ આ કંપની જામનગરમાં ઉભી કરીને રૂપિયા પડાવવામાં આવતાં હોય, ફરિયાદીની જેમ અનેક લોકોને મોટા સપના દેખાડી છેતરપીંડી આચરી રકમ લઇ પલાયન થઇ ગયા હોય. આથી આ અંગે આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી માગણી કરવામાં આવી છે.