કોરોનાના કારણે લોકોને શારીરિક, માનસિક અને આર્થિક એમ તમામ પ્રકારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે વીમા કંપનીઓ મન ફાવે તે રીતે પોલિસી ધારકોના ક્લેઈમ નકારી રહ્યાં છે. માનસિક રોગોથી પીડાતાં દર્દીઓને સારવારના ખર્ચમાં મોટી રાહત થાય તેવા એક ચુકાદામાં દિલ્હી હાઈકોર્ટે સોમવારે તમામ વીમા કંપનીઓને મેન્ટલ હેલ્થકેર એક્ટ, 2017ને અમલમાં મુકવા આદેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે આપેલા આ ચુકાદામાં જણાવ્યાં અનુસાર દેશની તમામ વીમા કંપનીઓએ મેન્ટલ હેલ્થકેર એક્ટ જ્યારથી અમલમાં આવ્યો એટલે કે 2018ની અસરથી તેમની પોલિસીમાં આવરી લેવાનો રહેશે. આમ નહીં કરનાર કંપની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકશે. આ ચુકાદો આપતાં જસ્ટિસ પ્રતિભા એમ. સિંઘે જણાવ્યું હતું કે વીમા કંપનીઓ માનસિક આરોગ્ય અંગેના કાયદાનો અમલ કરે છે કે નહીં તે જોવાની વીમા નિયામક ઈરડાઈની ફરજ છે અને તે તેની સામે આંખ આડા કાન કરવાની નીતિ ના અપનાવી શકે. વીમા કંપનીઓ દ્વારા લોન્ચ કરવામાં આવતી તમામ વીમા પ્રોડક્ટસ કાયદાને અધિન હોય તે જોવાની જવાબદારી પણ ઈરડાઈની છે જે તેણે નિયમિત રીતે સુનિશ્ચિત કરવું જોઈએ. નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીએ સીઝોફ્રેનિયાથી પીડિત એક મહિલાની સારવારના ખર્ચનો ક્લેઈમ એમ કહી નકાર્યો હતો કે માનસિક બીમારીને મેડિકલ કવરમાંથી બાદ રખાઈ છે. વીમા કંપની દ્વારા તેનો દાવો નકારી કાઢ્યા બાદ આ મહિલાએ કોર્ટનું શરણું લીધું હતું. જેને પગલે હાઈકોર્ટે વીમા કંપનીને પીડિત મહિલાને રૂ. 6.67 લાખની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત મહિલાને કોર્ટ કેસ કરવા મજબૂર કરવા બદલ વીમા કંપનીને વધારાના રૂ. 25,000 ચૂકવવાનો આદેશ કર્યો હતો.