ગુજરાત પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દહેગામ તાલુકાના લવાડમાં આવેલી રાષ્ટ્રિય રક્ષાશકિત યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કર્યું હતું. અગાઉ રક્ષાશકિત યુનિવર્સિટી તરીકે ઓળખાતી આ યુનિવર્સિટી હવે રાષ્ટ્રિય રક્ષાશકિત યુનિવર્સિટી તરીકે ઓળખાશે. પ્રધાનમંત્રી રક્ષાશકિત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહયા છે. તેઓ યુનિવર્સિટીના 1090 છાત્રો પૈકી 37 છાત્રોને ગોલ્ડમેડલ અને 14ને ડૉકટરેટની પદવી એનાયત કરશે. પ્રધાનમંત્રી રક્ષાશકિત યુનિવર્સિટી પહોંચ્યા ત્યારે રાજયપાલ દેવવ્રત આચાર્ય અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે તેમને આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહયા હતા. ઉપરાંત 10 યુનિવર્સિટીના વડાઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામા આવ્યું છે. આ યુનિવર્સિટીમાં દેશના 18 રાજયોના 882 વિદ્યાર્થીઓ જુદી-જુદી 10 જેટલી શાખાઓમાં અભ્યાસ કરી રહયા છે. રક્ષાશકિત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર બિમલ એન. પટેલે જણાવ્યું હતુ કે, સુરક્ષા શૈક્ષણિક ઇકો સિસ્ટમની રચના કરતી આ યુનિવર્સિટી તાલિમ સંશોધન શિક્ષણ અને વિસ્તરણ જેવા કાર્યક્રમો આપી રહી છે. આ અગાઉ કાર્યક્રમમાં ભાગ લેવા રવાના થયેલા પ્રધાનમંત્રીનો ચિલોડાથી દહેગામ સુધી રોડ શો યોજાયો હતો. માર્ગમાં તેમણે પોતાની કારમાંથી બહાર આવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આજે પણ પ્રધાનમંત્રીના રોડ શો માં તેમના પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. પદવીદાન સમારોહ બાદ આજે સાંજે પ્રધાનમંત્રી મોદી સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલમાં ખેલમહાકુંભનો પ્રારંભ કરાવશે.