દેશના વિવિધ રાજયોમાં ખેડૂતો ઉપર દેવા અંગે નેશનલ સેમ્પલ સર્વેના 77મા રાઉન્ડ અંતર્ગત જાન્યુઆરી-ડિસેમ્બર-2019માં થયેલા સર્વેક્ષણનો રિપોર્ટ કેન્દ્ર સરકારે છેક હમણાં 10મી સપ્ટેમ્બરે જાહેર કર્યો છે અને તે મુજબ ગુજરાતમાં કુલ ખેડૂત ખાતેદારો પૈકીના 42.5 ટકા ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયેલા છે અને રાજયના ખેડૂતો ઉપર સરેરાશ રૂા. 56,568નું દેવું છે.છેલ્લે 2015-16માં થયેલા એગ્રિકલ્ચરલ સેન્સસ મુજબ રાજયમાં કુલ 53,20,626 ખેડૂતો છે. રાજયના 42.5 ટકા ખેડૂતો દેવાગ્રસ્ત છે, એટલે કે રાજયના 22,61,266 ખેડૂતો ઉપર સરેરાશ રૂા.56,568નું દેવું છે. જેનો મતલબ એ નિકળે કે રાજયના ખેડૂતો ઉપર સરેરાશ આશરે કુલ 30,108 કરોડનું દેવું છે. દેવાની બાબતમાં દેશમાં આંધ્ર પ્રદેશ ટોચ ઉપર છે. જયાં ખેડૂતો ઉપર 2.45 લાખ કરોડનું દેવું છે. જયારે કેરળ અને પંજાબ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે. આ યાદીમાં ગુજરાત દેશમાં દશમા સ્થાને છે.

