Saturday, January 11, 2025
Homeરાજ્યદ્વારકા જિલ્લાના નિષ્ઠાવાન રાજકીય આગેવાન અને પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડાનું નિધન

દ્વારકા જિલ્લાના નિષ્ઠાવાન રાજકીય આગેવાન અને પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડાનું નિધન

કોરોનાને મ્હાત આપી, સારવાર દરમિયાન ગત મોડી રાત્રીના તબિયત લથડતાં લીધા અંતિમ શ્વાસ : દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે આહીર સમાજ અને રાજકીય વર્તુળોમાં ઘેરો શોક પાંચ મહિનામાં ખંભાળિયાએ બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા:

- Advertisement -

 દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીઢ અને ભાજપના નિષ્ઠાવાન પાયાના કાર્યકર કાળુભાઈ ચાવડાનું ગતરાત્રીના અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. થોડા સમય પૂર્વે કાળુભાઈને થયેલી કોરોનાની બીમારી બાદ કોરોનાથી સ્વસ્થ થયા બાદ અન્ય શારીરિક સમસ્યા સર્જાતા તેમનું સારવાર દરમ્યાન રાત્રીના આશરે અઢી વાગ્યે અવસાન થયું છે.  દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભીંડા ગામના મૂળ વતની તથા છેલ્લા દાયકાઓથી ખંભાળિયા ખાતે સ્થાયી થઈ, ઘી તથા કાપડના વેપાર બાદ સ્ટોન ક્રશર સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા કાળુભાઈ નારણભાઈ ચાવડાએ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અને પાયાના કાર્યકર તરીકે અવિરત રીતે કાર્યરત રહી પક્ષની છબી વધુ ઉજળી બનાવવા માટેનો સિંહ ફાળો આપ્યો છે.

- Advertisement -

વર્ષ 1959 માં રોજ જન્મેલા કાળુભાઈ ચાવડાએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1990ના દાયકામાં કરી હતી. સૌપ્રથમ વખત વર્ષ 1995માં તેઓ તાલુકા પંચાયતના સદસ્ય તરીકે વિજેતા થયા બાદ 1995 થી 1998 સુધીના સમયગાળા દરમ્યાન ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. ત્યારબાદ ભાજપ દ્વારા તેમની નિષ્ઠા અને સક્રિયતાને ઘ્યાને લઇ, વર્ષ 1998માં વિધાનસભાની ટિકિટ આપી હતી અને તેઓ નોંધપાત્ર મતોથી વિજેતા થયા હતા. આમ, 1998 બાદ વધુ એક વખત વિજેતા બની વર્ષ 2007 સુધી 10 વર્ષની કુલ બે ટર્મના સમયગાળામાં તેઓ ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે રહ્યા હતા. આ વચ્ચે અહીંના માર્કેટિંગ યાર્ડમાં પણ તેઓ બે ટર્મ સુધી ડાયરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ પછી પણ કાળુભાઈ દ્વારા પક્ષ પ્રત્યેની તેમની ફરજ અને કામગીરી યથાવત ચાલુ રાખતા મોવડી મંડળ દ્વારા વર્ષ 2016માં તેમને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. જે તેમના દ્વારા વર્ષ 2020 સુધી નિષ્ઠાપૂર્વક બજાવવામાં આવી હતી. ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના આહિર સમાજના આગેવાન એવા કાળુભાઈ ચાવડા હાલ પ્રદેશ ભાજપની કારોબારીમાં સભ્ય તરીકે સેવા આપી રહ્યા હતા.

 63 વર્ષિય કાળુભાઈ ચાવડા ગત માસમાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ કોરોનાને મહાત આપી નેગેટિવ થયા હતા. પરંતુ આ પછી તેઓને શ્વાસ અને ફેફસા સહિતની અન્ય શારીરિક ક્ષતિ સર્જાતા હોસ્પિટલના નોન કોવિડ વિભાગમાં તબીબોની નોંધપાત્ર સારવાર કારગર નીવડી નહોતી અને રાત્રીના આશરે અઢી વાગ્યે તેમણે અમદાવાદની હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

- Advertisement -

ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય, તત્કાલીન જિલ્લા ભાજપ પ્રમુખ એવા ભાજપના નિષ્ઠાવાન કાર્યકર કાળુભાઈ ચાવડાના ગત રાત્રે થયેલા નિધનના આશરે પાંચ માસ પૂર્વે ગત તારીખ 17 જાન્યુઆરીના રોજ અહીંના ભાજપના પાયાના પથ્થર તથા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મેઘજીભાઈ કણજારીયાનું પણ અવસાન થયું હતું. આમ, પાંચ માસના ટુંકા ગાળા દરમિયાન જિલ્લા ભાજપના બે પીઢ અને નિષ્ઠાવાન નેતાઓની વિદાયથી ભાજપમાં ન પૂરી શકાય એવી ખોટ પડી છે.

 દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજકારણમાં ભાજપ માટે ચૂંટણી દરમિયાન ઉમેદવારોની પસંદગી તથા લોકોના પ્રશ્નોના નિકાલ માટે અંતિમ ઘડી સુધી સક્રિય અને જાગૃત રહેલા કાળુભાઈ ચાવડાના દુઃખદ નિધનથી રાજ્યના જુદા જુદા વિસ્તારોના નેતાઓ, મંત્રીઓ, સાથે હાલારના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, તત્કાલિન ધારાસભ્ય પબુભા માણેક, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, મહામંત્રી શૈલેષભાઈ કણજારીયા, મયુરભાઈ ગઢવી, પુર્વ મહામંત્રી દિનેશભાઈ દત્તાણી, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જીગ્નેશભાઈ પરમાર, સહિતના આગેવાનો- હોદ્દેદારોએ તેમને શોકાંજલિ પાઠવી તેમના નિધનથી ન પૂરી શકાય તેવી ખોટ પડી હોવાના પ્રતિભાવો વ્યક્ત કર્યા છે.   આજરોજ બપોરે ખંભાળિયામાં રામનાથ સોસાયટી વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાનેથી સદગતની સ્મશાનયાત્રા નીકળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular