જામનગર જિલ્લના મેઘપર બસ સ્ટેન્ડ પાસેથી પૂરઝડપે પસાર થતા બાઈકસવારે પ્રૌઢને હડફેટે લઇ ઠોકરે ચડાવતા મોત નિપજ્યું હતું.
બનાવની જાણના આધારે પોલીસે બાઇકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, મૂળ બિહારના ભોજપુર જિલ્લાના બરાઢ ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતાં લાલબાબુ શિવનાથ શાહ નામના પ્રૌઢ સોમવારે રાત્રિના સમયે મેઘપર ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થતા હતાં તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઈથી આવતા જીજે-10-સીકે-9987 નંબરના બાઈક ચાલકે પ્રૌઢને ઠોકરે ચડાવતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગેની જાણ થતા પીએસઆઇ કે.આર. સિસોદીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતકના પત્ની શાંતિદેવીના આધારે બાઇકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.