જામનગર તાલુકાના લાખાબાવળ ગામથી તેના ઘરે જતાં સમયે નેચર કેર સેન્ટર પાસે રોડની સાઈડમાં પડેલા બેલામાં બાઈક અથડાતા સ્લીપ થવાથી પ્રૌઢનું ગંભીર ઈજા પહોંચતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના રીનારી ગામમાં રહેતી મહિલાને તેણીના ઘરે હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મયુરનગર આવાસ રોડ પરના વિસ્તારમાં રહેતાં ડાયાભાઈ લક્ષ્મણભાઈ શેખવા (ઉ.વ.55) નામના પ્રૌઢ ગત તા.20 એપ્રિલના રોજ સાંજના સમયે તેના જીજે-10-એએન-2543 નંબરના બાઈક પર લાખાબાવળથી જામનગર તેના ઘર તરફ આવતા હતાં ત્યારે નેચર કેર સેન્ટર પાસે રોડની સાઈડમાં પડેલા બેલામાં બાઈક અથડાતા સ્લીપ થવાથી અકસ્માતમાં ડાયાભાઈને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા બેશુદ્ધ થઈ જતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેની હાલત નાજુક જણાતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પત્ની રૂપાબેન દ્વારા જાણ કરાતા હે.કો. એસ.આર. ડાંગર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના રીનારી ગામમાં રહેતાં સમજુબેન મેહુલભાઈ રાતડિયા (ઉ.વ.36) નામના મહિલાને મંગળવારે બપોરના સમયે તેના ઘરે એકાએક છાતીમાં દુ:ખાવો થવાથી બેશુધ્ધ થઈ જતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા વી.વી. છૈયા તથા સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પતિ મેહુલભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.