જામનગર તાલુકાના બેરાજા ગામમાં રહેતો યુવાન મંગળવારે રાત્રિના સમયે સપડા પાટીયાથી જામનગર તરફ તેની બાઈકમાં આવતો હતો ત્યારે અજાણ્યા વાહનચાલકે પાછળથી ઠોકર મારતા અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઘવાયેલા યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના બેરાજા ગામમાં રહેતો જયસુખ કરમણભાઈ સાવલિયા (ઉ.વ.43) નામનો યુવાન મંગળવારે રાત્રીના સમયે જીજે-10-બીબી-0258 નંબરના બાઈક પર જામનગરથી તેના ઘરે જતો હતો ત્યારે સપડા પાટીયા નજીક આવેલી દ્વારકાધીશ હોટલ પાસે પહોંચ્યો ત્યારે પૂરઝડપે બેફીકરાઇથી આવતા અજાણ્યા વાહનચાલકે ઠોકર મારી હડફેટે લેતા બાઈકસવાર જયસુખને શરીરે અને માથામાં તથા પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક નાશી ગયો હતો. ત્યારબાદ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જયસુખને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતરાઇ શૈલેષ સાવલિયા નામના યુવાન દ્વારા જાણ કરાતા પીએસઆઈ જે.કે. રાઠોડ તથા સ્ટાફે અજાણ્યા વાહનચાલકો વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.