લાલપુર તાલુકાના રીંજપર ગામમાંથી બાઈક પર વાડી તરફ જતાં હતાં તે દરમિયાન બાઈક આડે બળદ ઉતરતા કાબુ ગુમાવી દેતાં પાછળ બેસેલા તરૂણ ભાણેજનું મોત નિપજ્યું હતું. જ્યારે મામાને સામાન્ય ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત, લાલપુર તાલુકાના રીંજપર ગામમાં રહેતાં ખીમાભાઈ વસરા નામના યુવાનને ત્યાં સુરતમાં રહેતો તેનો ભાણેજ પિયુષ રોકાવા આવ્યો હતો અને તે દરમિયાન સોમવારે સવારના સમયે ખીમાભાઈ મેસુરભાઈ વસરા (ઉ.વ.40) નામના યુવાન બાઈક પર તેના ભાણેજ પિયુષ સવદાસ ગોજીયા (ઉ.વ.17) નામના તરૂણને લઇને તેની વાડીએ જતાં હતાં તે દરમિયાન રસ્તામાં એકા એક બળદ આડો ઉતરતા બાઈક પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થવાથી પાછળ બેસેલા ભાણેજ પિયુષ ગોજીયા નામના તરૂણને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે ખીમાભાઈને સામાન્ય ઈજા થઈ હતી. બાદમાં બન્ને મામા-ભાણેજને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તરૂણ ભાણેજનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે ખીમાભાઈના નિવેદનના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.