જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતાં યુવકને એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સ દ્વારા જી.જી.હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું. લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં રહેતો યુવાનને પંખામાંથી વીજશોક લાગતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. કાલાવડ તાલુકાના બાદનપર ગામના વાડી વિસ્તારમાં નિંદ્રાધિન રહેલા યુવક બેશુધ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર તાલુકાના દરેડના નીલગીરી વિસ્તારમાં ગૌશાળામાં રહેતા ગુલશનકુમાર નગેન્દ્રનાથ પાંડયે (ઉ.વ.18) નામનો યુવક ગત શુક્રવારે સાંજના સમયે ચા ની કેબિન પાસે ઉભો હતો તે દરમિયાન એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યું હતું. બનાવ અંગે કાલુરામ દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. ડાંગર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં રહેતાં કનકસિંહ મહિપતસિંહ જાડેેજા (ઉ.વ.23) નામના યુવાન તેમના ઘરે ટેબલ પંખો ખસેડવા જતાં ઈલેકટ્રીક શોક લાગતા બેશુધ્ધ થઈ જવાથી લાલપુરના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની લાલુભા દ્વારા જાણ કરાતા હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, કાલાવડ તાલુકાના બાદનપર ગામના વાડી વિસ્તારમાં આવેલી મનસુખભાઈની વાડીએ ખેતમજૂરી કરતા મનિષ ભુપતભાઈ ખાંટ (ઉ.વ.25) નામનો યુવાન નિંદવાનું ખેતીકામ કરતો હતો તે દરમિયાન દાંતમાં દુ:ખાવો થતા ખાટલામાં નિંદ્રાધિન થઈ ગયો હતો ત્યારબાદ તેની પત્ની મનિષાબેન દ્વારા મનિષને જગાડતા મનિષ જાગ્યો ન હતો જેથી મનિષને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે મૃતકની પત્ની દ્વારા જાણ કરાતા હેકો જી.પી. ગોસાઈ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.