કાલાવડ ગામમાં ધોરાજી રોડ પર પૂલ પાસેથી પસાર થતા ટે્રકટરના પંખામાં બેસેલા યુવાનનું અકસ્માતે નીચે પડી જતાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.

બનાવની વિગત મુજબ, કાલાવડ ગામમાં આવેલા કુંભનાથપરામાં રહેતો અને મજૂરી કામ કરતો પ્રિયંકભાઈ ભરતભાઈ સંઘાણી (ઉ.વ.25) નામનો યુવાન શુક્રવારે સાંજના સમયે ટે્રકટરના પંખા ઉપર બેસી જતો હતો તે દરમિયાન ધોરાજી રોડ પર સાયનીંગ સ્ટાર સ્કુલ પાસેની ગોલાઈમાંથી ટે્રકટર પસાર થતા પંખા ઉપર બેસેલો યુવાન અચાનક નીચે પડી જતાં રોડ પર પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મિતુલભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી એમ કંચવા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.