જામનગર શહેરમાં ગોકુલનગર રડાર રોડ પર હનુમાનજી મંદિર પાસેના વિસ્તારમાં રહેતો યુવાન તેના ઘરે અકસ્માતે દાઝી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરના સ્વામિનારાયણ નગર સોસાયટીમાં રહેતાં પ્રૌઢ તેના ઘરે ભૂલથી ઝેરી દવા પી જતાં મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં રડાર રોડ પર હનુમાનજી મંદિર પાસે રહેતાં જેન્તભાઈ મુળદાસભાઈ નિમાવત (ઉ.વ.45) નામના યુવાન ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે કોઇ કારણસર અકસ્માતે શરીરે ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો એ.એન.નિમાવત તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમા સ્વામિનારાયણ સોસાયટીમાં મામાસાહેબના મંદિર પાસે રહેતા મનિષભાઈ લખુભાઈ ડોડિયા (ઉ.વ.50) નામના આધેડ એ ગુરૂવારે વહેલીસવારના સમયે શરદી-ઉધરસની દવા પીવાને બદલે ભૂલથી ઝેરી દવા પી જતાં તબિયત લથડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પત્ની મયુરીબેન દ્વારા જાણ કરાતા હેકો આર.એ. કુબાવત તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.