ખંભાળિયામાં રહેતા 27 વર્ષના અને નવપરિણીત એવા એક યુવાનને ગઈકાલે સોમવારે સવારે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું અકાળે અવસાન થયાના બનાવે ભારે અરેરાટી પ્રસરાવી છે.
આ કરુણ બનાવની વિગત એવી છે કે, ખંભાળિયાના બસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હિરેન વિરજીભાઈ નડીયાપરા નામના 27 વર્ષના પ્રજાપતિ યુવાન સોમવારે સવારના આશરે સાડા નવ વાગ્યાના સમયે એમના મોટરસાયકલ પર બેસીને એક ખાનગી કંપનીની ઓફિસમાં નોકરીએ જઈ રહ્યા હતા, ત્યારે એકાએક તેમને ઉલટી થયા બાદ છાતીમાં અસહ્ય દુખાવો ઉપાડતા તેમને મૂર્છિત હાલતમાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
વિધિની વક્રતા તો એ છે કે પિતા વીરજીભાઈના એકના એક પુત્ર એવા મૃતક હિરેન નડીયાપરાના લગ્ન આજથી આશરે બે વર્ષ પૂર્વે થયા હતા અને તેમના પત્ની હાલ 4 મહિનાના સગર્ભા હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે સરળ અને નિખાલસ સ્વભાવના હિરેનભાઈના અકાળે અવસાન થયાના આ બનાવે મૃતકના પરિવારજનો સાથે ખાનગી કંપની તેમજ મિત્ર વર્તુળમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.


