જામનગર તાલુકાના નાની લાખાણી ગામમાં રહેતાં મહિલાને તેણીના ઘરે છાતીમાં ગભરામણ થવાથી ધ્રોલના સીએચસી સેન્ટરે લઇ જવાતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં આશાપુરા મંદિર પાછળના વિસ્તારમાં રહેતાં યુવાન તેના ઘરે બેશુદ્ધ થઈ જતાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, જામનગર તાલુકાના નાની લાખાણી ગામમાં રહેતા નીતાબા હરદેવસિંહ જાડેજા (ઉ.વ.30) નામના મહિલાને ગત તા. 7 ના રોજ રાત્રિના સમયે તેણીના ઘરે પરસેવો અને ઉધરસ તથા છાતીમાં ગભરામણ થવા લાગતા તાત્કાલિક સારવાર માટે ધ્રોલના સીએચસી સેન્ટરે લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ મહિલાનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ હરદેવસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હેકો સી.જે.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના 49 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં આશાપુરા મંદિર પાછળ રહેતાં મુળજીભાઈ જેરામભાઈ ગોરી (ઉ.વ.42) નામનો યુવાન બુધવારે સવારના સમયે તેના ઘરે હતો ત્યારે એકાએક બેશુધ્ધ થઈ જતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની ગુરૂ ગોબિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ધવલ ગોરી દ્વારા જાણ કરાતા હેકો આર.ડી.ગાંભવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.