જામનગર તાલુકાના ખીજડિયાથી શિક્ષકની ફરજ પૂર્ણ કરી જામનગર તરફ રીક્ષામાં આવતા સમયે યુવાનને રસ્તામાં ધુંવાવ નજીક ખેંચ ઉપડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું. જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ સાંપડતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગરમાં શ્યામનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ લાધાભાઈ સોનગરા (ઉ.વ.46) નામના યુવાન જામનગર તાલુકાના ખીજડિયા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને મંગળવારે બપોરના સમયે તેની શિક્ષકની ફરજ પૂર્ણ કરી રિક્ષામાં જામનગર આવતા હતાં તે દરમિયાન ધુંવાવ નજીક પહોંચ્યા ત્યારે રસ્તામાં જ ખેંચ ઉપડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની જાણ મૃતકના ભાઈ રમેશ દ્વારા કરાતા એએસઆઈ એ.બી. સપિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરતા મૃતકને ત્રણ વર્ષથી ખેંચ (વાઈ) ની બીમારી હતી. જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા પંચેશ્ર્વર મહાદેવ મંદિર નજીકથી અજાણ્યો પુરૂષ બેશુધ્ધ હાલતમાં મળી આવ્યાની હરેન્દ્રસિંહ ઝાલા દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે પુરૂષને જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.