જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતી નિંદ્રાધિન યુવતીને તેણીના પતિ દ્વારા ઉઠાડતા નહીં ઉઠવાથી બેશુદ્ધ હાલતમાં જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. કાલાવડ તાલુકાના ડાંગરવાડા ગામમાં રહેતાં પ્રૌઢનું હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર-2 માં રામાપીરના મંદિર પાસેના વિસ્તારમાં રહેતી સહીમુનનશા અબ્દુલવાહીમ ખાન (ઉ.વ.18) નામની યુવતી ગત ગુરૂવારે રાત્રીએ તેણીના ઘરે નિંદ્રાધિન થયા બાદ શુક્રવારે સવારે તેણીના પતિ અબ્દુલ વાહીમ પત્નીને ઉઠાડતા પત્ની નહીં ઉઠતા બેશુધ્ધ હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ અબ્દુલ વાહીમ દ્વારા જાણ કરાતા પીએસઆઈ યુ.કે. જાદવ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના ડાંગરવાડા ગામમાં રહેતા અને ખેતી કરતા વિઠલભાઈ પ્રેમજીભાઈ વોરા (ઉ.વ.55) નામના પ્રૌઢને ગુરૂવારે બપોરના સમયે તેના હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે લોધિકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે દામજીભાઈના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.