ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા અસગર ઈશાકભાઈ દેથા નામના 25 વર્ષના યુવાન ગઈકાલે મંગળવારે વહેલી સવારના સમયે પોતાના જીજે-37-એફ-9129 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે તેમના મોટર સાયકલ આડે ભેંસ ઉતરતા બાઈક ચાલક અસગરભાઈએ બાઈક પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે સર્જાયેલા અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ હુસેનભાઈ ઈશાકભાઈ દેથા (ઉ.વ. 35) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક મોટરસાયકલ ચલાવવા બદલ અસગર દેથા સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.