જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા પ્રૌઢા સરૂ સેકશન રોડ પરથી સત્યસાંઈ સ્કૂલ વાળા માર્ગ પર ગત શુક્રવારે બપોરના સમયે સફાઈ કામ કરતા હતાં તે દરમિયાન મધમાખી કરડી જતા સારવાર દરમિયાન જી.જી.હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જામનગર શહેરના ગુલાબનગર નજીકના વિસ્તારમાં રહેતા અને એકલવાયુ જીવન જીવતા શ્રમિક યુવાનનું બીમારી સબબ તબિયત લથડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરીમાં વલ્લભનગર વાલ્મિકીવાસમાં રહેતા અને સફાઈકામ કરતા ભાનુબેન ગડાભાઈ વાઘેલા (ઉ.વ.55) નામના પ્રૌઢા ગત શુક્રવારે બપોરના સમયે સરૂ સેકશનથી સત્યાસાંઈ સ્કુલ તરફના માર્ગ પર સફાઈ કામ કરતા હતાં તે દરમિયાન મધમાખી કરડી જતા પ્રૌઢાને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની અજયભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.એન. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા ખેરાજભાઈ ઉર્ફે વિજય જસાભાઈ માતંગ (ઉ.વ.42) નામના યુવાને છ માસ પૂર્વે ડાયાબિટીસ કરાવ્યું હોય અને કીડનીની બીમારીની સારવાર ચાલુ હતી તે દરમિયાન તબિયત લથડતા યુવાનને રવિવારે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે બાબુભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે.બી. સોચા તથા સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.