જામનગર શહેરમાં રહેતાં આધેડ તેના બાઈક પર સૂર્યપરાથી જામનગર આવતા હતાં તે દરમિયાન રસ્તામાં કોઇ કારણસર બાઈક પરનો કાબુ ગુમાવતા ઝાડના થડ સાથે અથડાતા ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, સૂર્યપરાના વતની અને હાલ જામનગરમાં લાલપુર ચોકડી બાયપાસ પાસે કુબેરપાર્ક 2 માં રહેતા હસમુખભાઈ ખીમજીભાઈ રંગાણી નામના આધેડ સોમવારે સાંજના સમયે તેના જીજે-10-સીએલ-7478 નંબરના બાઈક પર સૂર્યપરાથી જામનગર આવતા હતાં તે દરમિયાન કાલાવડ રોડ પર સમ્રાટ હોટલ નજીક પહોંચ્યા ત્યારે બાઈક પરનો કાબુ ગુમાવી દેતા રોડની સાઈડમાં આવેલા અડધા વળી ગયેલા ઝાડના થડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં હરસુખભાઈને શરીરે તથા કપાળમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર નિરજભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એ.કે. પટેલ તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઈ આધેડના મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.