જામનગર શહેરના ગુલાબનગરમાં આવેલા પ્રભાતનગર વિસ્તારમાં આજે સવારે દિયર અને ભાભી વચ્ચે સામસામી છરીબાજી થઇ હતી. આ જીવલેણ હુમલામાં દિયરનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસ દ્વારા હત્યાના બનાવમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
ચકચારી બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગરમાં આવેલા પ્રભાતનગર વિસ્તારમાં રહેતા હેતલબેન ગોપાલભાઇ પરમાર અને કિશન ફટુભાઇ પરમારને આજે સવારે તેના ભાભી હેતલબેન સાથે કોઇ કારણસર બોલાચાલી થઇ હતી. અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ભાભી અને દિયરે સામસામા છરી વડે એકબીજા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા દિયર અને ભાભીને લોહીલુહાણ હાલતમાં જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતાં પીઆઇ એમ.જે.જલુ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને ત્યારબાદ હોસ્પિટલે પહોંચ્યો હતો. જ્યાં દિયર કિશનનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું. અને ભાભી હેતલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કિશનના મૃત્યુ બાદ હુમલાની ઘટના હત્યામાં પલટાતા આ બનાવમાં કયાં કારણોસર દિયર અને ભાભી વચ્ચે ઝઘડો થયો હતો. તે અંગે તપાસ આરંભી ગુન્હો નોંધવા તજવીજ આરંભી હતી.