જામનગર શહેરમાં મચ્છનગર વિસ્તારમાં રહેતાં આધેડ ત્રણ માસ પહેલા તેની સાઈકલ પર મચ્છરનગરમાંથી પસાર થતા હતાં ત્યારે કુતરુ આડુ ઉતરતા અકસ્માતે પડી જતાં ઈજા પહોંચી હતી અને આ ઈજામાં ઓપરેશન બાદ રસી થઈ જતાં તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના મચ્છનગર બ્લોક નં.28 ની સામે આવેલા રૂમ નં.71 માં રહેતાં કાંતિભાઈ બચુભાઈ ઝીંઝુવાડિયા (ઉ.વ.49) નામના આધેડ ત્રણ માસ પહેલાં તેના ઘરેથી સાઈકલ પર ગાંધીનગરમાં દુધ લઇ પરત આવતા હતાં ત્યારે રસ્તામાં અચાનક કૂતરુ આડુ ઉતરતા સાઈકલ પરથી પડી જતાં ડાબા પગનો ગોળો ભાંગી ગયો હતો અને તેનું બે વખત ઓપરેશન કરાવ્યા બાદ પગમાં રસી થઈ જતાં તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મંગળવારે સાંજના સમયે હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની પ્રદિપભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.વી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.