જામનગર તાલુકાના ચંગા ગામ નજીક આવેલા પાણીમાં ન્હાવા પડેલા બે યુવાનો ડૂબી જતા ફાયર ટીમે સ્થળ પર પહોંચી જઇ બન્નેના મૃતદેહો બહાર કાઢી પોલીસને સોંપી આપ્યા હતાં જેના આધારે પોલીસે ઓળખવિધિ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ચંગા ગામની સીમમાં હોટલ નજીક આવેલા તળાવમાં રવિવારે બપોરના સમયે ન્હાવા પડેલા હરીશ દિલબહાદુર કડિયાર (ઉ.વ.35, રહે. ચંગા) અને પવનકુમાર રાજુભાઈ કડિયાર (ઉ.વ.23) નામના બે યુવાનો પાણીમાં ડૂબી જતાં લાપતા થયા હતાં. આ અંગેની જાણ કરાતા ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ત્યારબાદ પાણીમાંથી બન્નેના મૃતદેહો બહાર કાઢી પોલીસને સોંપી આપ્યાં હતાં. જેના આધારે પોલીસે બન્નેના પરિવારજનોને જાણ કરી હતી. જેથી પરિવારજનો સ્થળ પર દોડી આવ્યાં હતાં. નાના ગામમાં બે યુવકોના મોત નિપજતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે બન્ને મૃતદેહોને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.