જામનગર તાલુકાના વીજરખી ગામમાં રહેતી તરૂણીને ટીવી જોવાની બાબતે મજૂરી કામેથી પરત આવેલી માતાએ ઠપકો આપતા મનમાં લાગી આવતા તરૂણીએ તેના ઘરે આડીમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામની સીમમાં વાડીએ પાણી વારતા સમયે બેશુદ્ધ થઈ જતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું. જામનગર શહેરના રણજીત રોડ પર ખાદી ભંડાર પાસેથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના વીજરખી ગામમાં રહેતાં અને મજુરી કામ કરતા વસંતબા રાજભા કેર નામના મહિલા મજૂરીકામેથી ઘરે આવે તે સમયે તેની તરૂણી પુત્રી પુજાબા (ઉ.વ.15) ટીવી જોયા કરતી હતી. વધારે સમય ટીવી જોતી હોવાથી માતાએ ઠપકો આપતા તે બાબતનું મનમાં લાગી આવતા પુજાબા એ સોમવારે સાંજના સમયે તેના ઘરે આડીમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મજૂરી કામેથી પરત ફરેલી માતાએ પુત્રીનો મૃતદેહ નિહાળતા અવાચક બની ગયા હતાં. ત્યારબાદ બનાવ અંગેની જાણ કરાતા હેકો જે.ડી.મેઘનાથી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના ધુનધોરાજીમાં રહેતાં કાંતિભાઈ વિરાણી (ઉ.વ.56)નામના પટેલ પ્રૌઢ સોમવારે સવારના સમયે તેના ખેતરમાં ચણામાં પાણી વારતા હતાં તે દરમિયાન એકાએક બેશુદ્ધ થઈ જતાં પડી જવાથી ગયા હતાં. બાદમાં પ્રૌઢને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ વલ્લભભાઈ દ્વારા જાણ કરાતા હેકો જી આઇ જેઠવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
ત્રીજો બનાવ, જામનગર શહેરમાં રણજીતરોડ પર આવેલા ખાદીભંડાર પાસે ટેલીફોનના ડબ્બા નજીક આશરે 55 વર્ષનો અજાણ્યો પ્રૌઢ બેશુદ્ધ હાલતમાં પડયો હોવાની જાણ કરાતા પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ઈદરીશભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.