આજે રોજ ગૌણ સેવા પંસદગી મંડળ ગાંધીનગર દ્વારા હિસાબનીશ/ ઓડિટર / પેટા તિજોરી અધિકારીની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. 9 જુલાઈના રોજ આ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે અમદાવાદ અને ગાંધીનગરમાં સેન્ટર ફાળવવામાં આવ્યા છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ ગાંધીનગર દ્વારા હિસાબનીશ/ ઓડિટર / પેટા તિજોરી અધિકારી વર્ગ-3 સંવર્ગ માટે તા. 23 જૂલાઈ 2019 ના રોજ જાહેરાત ક્રમાંક 184/201920 પ્રસિદ્ધ કરી ઓનલાઈન અરજી પત્રકો મેળવવામાં આવેલા હતા અને ઉપરોક્ત અરજીપત્રકોની પ્રાથમિક ચકાસણીના અંતે લાયક ઠરેલા ઉમેદવારોની જાહેરાતમાં વર્ણવ્યા મુજબની પ્રથમ તબક્કાની MCQ-QMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 02 મે 2021 ના રોજ યોજવાનું નક્કી કર્યુ હતું. પરંતુ કોવિડ-19 ની મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવી હતી.
આ મૌકુફ રખાયેલ પરીક્ષા હવે 9 જુલાઈના રોજ યોજવામાં આવશે. ગાંધીનગર અને અમદાવાદ ખાતે સવારે 11 થી 1 દરમિયાન આ પરીક્ષા યોજવામાં આવશે. સ્પર્ધાત્મક લેખીત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટે નો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના દસ દિવસ પહેલા મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in પર મુકવામાં આવશે.