જામનગર તાલુકાના સચાણા ગામના યુથ કોંગ્રેસના આગેવાનની બોટમાં અન્ય સ્થાનિક આગેવાનોના કહેવાથી પોલીસ સ્ટાફે ક્રેઇન મારફતે બળજબરી પૂર્વ હટાવવા જતાં બોટમાં ભારે નુકસાની થઈ છે. જે અંગે જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી પોતાની નુકશાની પહોંચાડનાર પોલીસ સ્ટાફ તથા સ્થાનિક અન્ય આગેવાનો સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા અને જામનગર ગ્રામ્ય 77 વિધાનસભા વિસ્તારમાં યુથ કોંગ્રેસના પ્રમુખ હસન અહેમદભાઈ સોઢાની માછીમારી બોટ તેના ઘર પાસે રાખવામાં આવી હતી. આ બોટને ખસેડી લેવા માટે પંચકોશી એ ડિવિઝનના પોલીસ અધિકારી સોઢા અને તેમના સ્ટાફે આવીને બોટને હટાવી લેવા કહ્યું હતું. પરંતુ તેમણે પોતાના ઘર પાસે રાખેલી બે બોટો ખસેડવાની ના પાડી હતી. જેથી અન્ય સ્થાનિક આગેવાનોના કહેવાથી અહીં ધાર્મિક કાર્યક્રમ કરવાનો છે તેવું કારણ બતાવીને પી.એસ.આઇ.સોઢા તથા સ્ટાફ અને સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ ઓસમાણ ગની, અબ્બાસ ગજિયા, રજાક ફાઇબર, કારા હુસેન ગંઢાર, મુસા સિદ્દીક વગેરેને સાથે ફરીથી અને બે ક્રેઈનની મદદથી ઘર પાસેથી બીજી જગ્યાએ ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં બંને બોટોમાં નુકસાન થયું હતું.
આ અંગે રજૂઆત કરવા છતાં પણ કંઈ પણ સાંભળ્યા વિના બંને બોટો હટાવતી વખતે ભારે નુકસાની થઈ રહી હતી. બોટ માલિક જામનગર પોલીસ અધિક્ષક પ્રેેમસુખ ડેલુને રજૂઆત કરી જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી તેમજ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રદેશ અગ્રણીઓને નકલ તથા વીડિયો કલીપ મોકલવામાં આવી છે.