નગરમાં વિવિધ સામાજિક અને સેવાકિય પ્રવૃત્તિ કરતી સંસ્થા રોટરી કલબ ઓફ જામનગર દ્વારા નગરના લોકોમાં સ્વાસ્થ્ય અને પ્રદૂષણ મુક્તિની જાગૃતિ માટે સાયકલોફન-2021નું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ, 10, 20, 50 અને 100 કિલોમીટરની આ સાયકલોફન સુમેર સ્પોર્ટસ કલબ ખાતેથી પ્રારંભ થયો હતો. જેમાં 375 સાયકલીસ્ટ જોડાયા હતાં.
રોટરી કલબ ઓફ જામનગર અને જામનગર સાયકલીંગ કલબ દ્વારા ગઇકાલે સાયકલોફન યોજાઇ હતી. જામનગર જિલ્લા પોલીસ વડા દિપેન ભદ્રન, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ સહિતના લોકોએ આ સાયકલોફનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા દિપેન ભદ્રન તથા જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગેએ 100 કિલોમીટર અને ડીએફઓ આર. ધનપાલાએ 50 કિલોમીટર સાયકલ રાઇડ કરી હતી. આ ઉપરાંત સાડા ત્રણ વર્ષના આર્યવીર શેઠની પાંચ કિલોમીટરની સાયકલ યાત્રા કરી હતી. સિનિયર સિટિઝન ડોકટર ઉલ્લાસ સાંઠે, અશોકભાઇ સહિતના સાયકલીસ્ટોએ પણ ભાગ લઇ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે રોટરી કલબ આસિ. ગવર્નર અલ્કેશ ગોસારીયા ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સમગ્ર આયોજન રોટરી કલબ ઓફ જામનગરના પ્રેસિડેન્ટ નિશિત શાહ, સેક્રેટરી કમલેશ સાવલા, પ્રોજેકટ ચેર જયેશ, પ્રોજેકટ કો.ચેર રાજેશ વાછાણી તેમજ રંગોલી ડ્રેસવાળા ગોકુલભાઇ બદીયાણી, મજાનો નમકીનવાળા અતુલભાઇ પટેલના સહયોગથી કરવામાં આવ્યું હતું. તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન લલીત જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.