જામનગર નજીક ઠેબા ચોકડી પાસેથી પસાર થતાં સાયકલસવારને પાછળથી પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહને ઠોકર મારતાં ગંભીર ઇજા પહોંચતાં મોત નિપજ્યું હતું. બનાવમાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ઠેબા ચોકડી નજીકથી મંગળવારે સવારના 7 વાગ્યાના અરસામાં સાયકલ પર પસાર થતાં વ્યક્તિને પાછળથી પૂરપઝડપે આવી રહેલા અજાણ્યા વાહને ઠોકર મારી પછાડી દેતાં સાયકલસવારને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચાતાં સાયકલસવારનું ઘટના સ્થળે પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. બનાવ અંગે રામદેવ કદાવલા દ્વારા જાણ કરાતાં પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી મૃતદેહની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી અને અકસ્માત બાદ નાશી ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.