જામનગર તાલુકાના ખંભાળિયા બાયપાસ નજીક આવેલા દરેડ જીઆઈડીસી વિસ્તારમાં સાઈકલ પર જતા પ્રૌઢને પૂરઝડપે બેફીકરાઈથી આવતા અજાણ્યા વાહને ઠોકર મારી હડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ વાહનચાલક નાશી ગયો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કૃષ્ણનગર શેરી નં.6 ના છેડે રહેતા બાબુભાઇ ચોવટીયા (ઉ.વ.59) નામના પ્રૌઢ ગુરૂવારે વહેલીસવારના 5:30 વાગ્યાના અરસામાં તેમની સાઈકલ પર દરેડ જીઆઇડીસીમાંથી પસાર થતા હતાં તે દરમિયાન પૂરઝડપે બેફીકારઇથી આવતા અજાણ્યા વાહનચાલકે સાઈકલ સવાર પ્રૌઢને ઠોકર મારી હડફેટે લેતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા પ્રૌઢનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ વાહનચાલક નાશી ગયો હતો. બનાવની જાણ થતાં મૃતકના ભત્રીજા લલિત ચોવટીયા દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.