જામનગર નજીક મોરકંડા ગામમાં પાટીયા પાસેના વિસ્તારમાં રહેતાં પ્રૌઢ સુરાપુરા ડાડાના મંદિરે દર્શન કરી ઘરે પરત ફરતા હતા ત્યારે પૂરઝડપે બેફીકરાઇથી આવતા બાઈકસવારે પ્રૌઢની સાઈકલને ઠોકર મારી પછાડી દઈ ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવમાં પોલીસે બાઈકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગરના મોરકંડા ગામમાં પાટીયા સામેના વિસ્તારમાં રહેતાં રસિકભાઈ દામજીભાઈ ચૌહાણ નામના પ્રૌઢ ગત તા.10 ના રોજ મંગળવારે સાંજના સમયે તેની સાઈકલ લઇ ખીમલિયા ગામમાં આવેલા સુરાપુરા ડાડાના મંદિરે દર્શન કરી ઘર તરફ આવતા હતાં ત્યારે ખીમલિયા ગામના પાટીયા નજીક પહોંચ્યા ત્યારે પૂરઝડપે બેફીકરાઇથી આવતા જીજે-10-ડીજી-3520 નંબરના બાઈકસવારે પ્રૌઢની સાઈકલને ઠોકર મારી હડફેટે લઈ પછાડી દીધા હતાં. રોડ પર પટકાતા પ્રૌઢને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ બાઈકસવાર નાશી ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું બુધવારે રાત્રિના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર ભાવિન દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી બાઈકચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.