ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આવેલી ભારત પાકિસ્તાનની બોર્ડર પર આવેલા ગામ નડાબેટને સમગ્ર દેશના પ્રવાસન નકશા પર મુકીને બોર્ડર ટુરીઝમને વેગ આપવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર નડાબેટ ખાતે રૂા. 125 કરોડના પ્રવાસન વેગ આપતા કામ હાલમાં કરી રહી છે. રાજયના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ નડાબેટની મુલાકાત લઇને ગુજરાતના એકમાત્ર બોર્ડર ટુરિઝમ કેન્દ્ર ભારત-પાકિસ્તાન સરહદ પરના ’ઝીરો પોઇન્ટ’ ખાતે સીમાદર્શન પ્રવાસન સુવિધાઓની કામગીરીને અપાતા આખરીઓપની કામગીરી નિહાળી હતી.
વર્ષ 2016ના ડિસેમ્બર મહિનાથી નડાબેટ ખાતેના આ બોર્ડર સિકયુરિટી ફોર્સના ઝીરો પોઇન્ટને સીમાદર્શન તરીકે ખૂલ્લો મૂકીને તેને બોર્ડર ટૂરિઝમની આગવી ઓળખ રાજ્ય સરકારે શરૂઆત કરી હતી. હવે વધુ 125 કરો઼ડના વિવિધ પ્રોજેકટ ત્યાં ચાલી રહ્યા છે. તે ભારત પાકિસ્તાન બોર્ડર 15 ઓગસ્ટે ખુલ્લી મુકવામાં આવશે. ગુજરાતના એકમાત્ર બોર્ડર ટુરિઝમ કેન્દ્ર ભારત-પાકિસ્તાન સરહદ પરના ઝીરો પોઇન્ટ ખાતે સીમાદર્શન વિવિધ પ્રવાસન સુવિધાઓ ઉભી થશે. આ પ્રવાસન સ્થળને સૌર ઊર્જાથી પ્રકાશિત કરવા 14 જેટલા સોલાર ટ્રી લગાવવાની કામગીરી પણ સીમાદર્શન-બોર્ડર ટૂરિઝમ પ્રોજેકટમાં હાથ ધરવામાં આવી છે. સીમાદર્શન માટે આવનારા સૌ પ્રવાસીઓ આપણા સુરક્ષાદળો-સેનાની સજ્જતાથી ભલિભાંતિ પરિચિત થાય તે માટે ટી જંકશનથી ઝીરો પોઇન્ટ સુધીના માર્ગ પર પ્લેટફોર્મ બનાવીને સરફેસ ટુ સરફેસ મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ, ઝ-55 ટેન્ક, આર્ટીલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેન્ક અને મિગ-27 એરફ્રાફટ ડિસપ્લે કરવામાં આવશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નડાબેટથી જણાવ્યું હતું કે, બોર્ડર ટુરિઝમના હોલિસ્ટીક કન્સેપ્ટ સાથે સીમાદર્શન પ્રોજેકટ દ્વારા ગુજરાત વિશ્વ પ્રવાસન નકશે અગ્રેસર બનશે, નડાબેટ બોર્ડર પ્રવાસીઓ માટે નવા કોન્સેપ્ટ સાથે, અધતન સુવિધાઓ સાથે જોવા મળે તેના માટે સરકાર દ્વારા રૂ. 125 કરોડના ખર્ચે કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 1971ની લડાઈમાં અહીંથી નગર પારકર સુધી પાકિસ્તાનનો અનેક હિસ્સો આપણા ઇજઋના જવાનો જીતીને આગળ વધ્યા હતા. આ બધી વસ્તુ લોકો જોવે જાણે અને એક દેશ ભક્તિની ભાવના વધે તે હેતુથી નાડાબેટ ખાતે આ બોડર ટુરિઝમ ડેવલોપ કરવામાં આવી રહ્યું છે. અહીંથી 150 મીટર દુર પાકિસ્તાન છે.
ઝીરો પોઈન્ટ પર રૂપિયા સવા સો કરોડના ખર્ચે વિવિધ પ્રોજેકટનુ નિર્માણ રાજય સરકાર કરી રહી છે. આગામી 15 ઓગસ્ટ પહેલા આ કામ પૂર્ણ કરીને લોકાર્પણ કરી પ્રવાસીઓને આકર્ષવાની દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. નડાબેટ ખાતે ફેઇઝ-1ના કામો જે અંદાજે રૂ. 23 કરોડના ખર્ચે પૂર્ણતાને આરે છે તે કામ અને યાત્રી સુવિધાઓનું સ્થળ નિરીક્ષણ મુખ્યપ્રધાને કર્યુ હતુ. ફેઇઝ-1માં જે કામો હાથ ધરાયા છે તેમાં પ્રવાસીઓના આગમન માટેનો આગમન પ્લાઝા, પાર્કિંગ, ઓડિટોરિયમ રિટેઇનીંગ વોલ અને પીવાના પાણીની સુવિધા તેમજ ટોયલેટ બ્લોકસના કામો પૂર્ણ થઇ ગયા છે. સાથે બીજા ફેઇઝના કુલ રૂ 32 કરોડના ખર્ચે નિર્માણાધિન વિકાસ કામોનું પણ નિરીક્ષણ કર્યુ હતું. આ બીજા ફેઇઝના કામમાં અજય પ્રહરી સ્મારક, પરેડ ગ્રાઉન્ડ, એકઝીબીશન સેન્ટર અને સરહદ સલામતીની વિશિષ્ટ પ્રતિકૃત્તિ સમાન ગેઇટના કામ હાલ ચાલી રહ્યા છે. આ સીમાદર્શન કાર્યક્રમ અન્વયે રાજ્યના અને રાજ્ય બહારના પ્રવાસન પ્રેમીઓને નડાબેટ ઝીરો પોઇન્ટ ખાતે ભારતીય સીમા સુરક્ષા દળ દ્વારા આપણા દેશના સિમાડા સાચવવાની અને રક્ષા કરવાની રોમાંચક કામગીરી પ્રત્યક્ષ નિહાળવાની તક મળી રહી છે. સાથે ભારત-પાકિસ્તાન બોર્ડરની મૂલાકાત લઇને તેમજ સીમા સુરક્ષા દળ દ્વારા કરવામાં આવતી રિટ્રીટ સેરીમની નિહાળીને દેશભક્તિ-રાષ્ટ્રભાવનાની અનોખી ચેતના અહિ આવનારા પ્રત્યેક પ્રવાસીમાં ઊજાગર થાય તેવા શૌર્યસભર દૃશ્યો અહિં સર્જાય છે. મુખ્યમંત્રીએ ભારત પાકિસ્તાન સરહદે અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર નડાબેટ ખાતે સીમાદર્શન અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના હાથ ધરાઇ રહેલા વિવિધ પ્રવાસન વિકાસ કામોની નિરીક્ષણ મૂલાકાત નડાબેટ જઇને કરી હતી. જેમાં સીએમની સાથે મત્સ્યોદ્યોગ અને પ્રવાસન મંત્રી જવાહાર ચાવડા, રાજ્યકક્ષાના સાંસદ દિનેશ અનાવાડિયા, સાંસદ પરબત પટેલ, પૂર્વ મંત્રી શંકર ચૌધરી, ધારાસભ્ય શશીકાંત પંડયા અને ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા હાજર રહ્યાં હતા.