દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામની સીમમાં પોતાના ઘર પાસે આવેલ જગ્યામાં ગાંજાનું વાવેતર કરતો હોવાની એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે સ્થળ પર જઇ રેઇડ કરતાં એક શખ્સને ઝડપી લઇ તેની પાસેથી 1850 કિલોગ્રામ ગાંજાના છોડ સહિત રૂા. 27,830નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામની સીમમાં રહેતા મારખીભાઈ કરશનભાઈ કેશુભાઈ વારોતરીયા નામના 42 વર્ષના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનની દિવાલ પાસે ગાંજાનું વાવેતર કરવામાં આવતા આ અંગે જિલ્લા એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ એમ. જાડેજા દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં આરોપી મારખી કરશનભાઈ વારોતરીયા દ્વારા ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા રૂા. 18,500ની કિંમતના 1.850 કિલોગ્રામ ગાંજાના છોડ તથા રૂા. 9330ની કિંમતના 933 ગ્રામ સૂકા ગાંજા સહિત કુલ રૂા. 27,830નો મુદ્દામાલ કબજે કરી, તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. વી.આર. શુકલાને સોંપવામાં આવી છે.
કલ્યાણપુરના ધતુરીયા ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું
એક શખ્સની અટકાયત : સુકો ગાંજો તથા છોડ સહિત રૂા. 27,830નો મુદ્દામાલ કબજે