સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ થતાં વેપાર-ધંધાને સ્વૈચ્છાએ બંધ કરવા તંત્ર અપીલ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ, મહારાષ્ટ્ર સહિત બહારથી ટ્રેનમાં આવતા મુસાફરોથી ફેલાતું સંક્રમણને રોકવા વહીવટી તંત્ર કેટલું સક્રિય છે એની વાસ્તવિકતા જાણીને તમને આશ્ચર્ય થશે. સુરતમાં મહારાષ્ટ્રથી આવતા મુસાફરો મોટી સંખ્યામાં ઉધના રેલવે સ્ટેશન ઉપર જોવા મળે છે. જોકે ત્યાં ટેસ્ટિંગની કામગીરીમાં મોટી ક્ષતિ સામે આવી છે. હજારો મહારાષ્ટ્રથી આવનારા મુસાફરાનાં ટેસ્ટિંગને લઈને મોટો પ્રશ્ર્નાર્થ ઊભો થયો છે. ઉધના સ્ટેશન ઉપર ત્રણ ગેટ આવેલા છે, માત્ર એક ગેટ પર થોડેઘણે અંશે કોરોના ટેસ્ટિંગ માટેની કામગીરી થાય છે.
સુરત રેલવે સ્ટેશન ઉપર છેલ્લા ઘણા દિવસથી ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ મુસાફરોનો ધસારો એટલી હદે હોય છે કે દરેકનું ટેસ્ટિંગ કરવું અશક્ય બની જાય એવું છે, તેમાં પણ વિશેષ કરીને મહારાષ્ટ્રમાં જ્યારે કોરોના બેકાબૂ થયો છે ત્યારે ત્યાંથી આવતા લોકો માટે RT-PCR રિપોર્ટ જરૂરી હોવાનું સરકારે જાહેર કર્યું છે, પરંતુ એનો યોગ્ય રીતે અમલ થતો નથી. સુરતના ઉધના સ્ટેશન ઉપર ત્રણ ગેટ આવેલા છે, માત્ર એક ગેટ પર થોડેઘણે અંશે કોરોના ટેસ્ટિંગ માટેની કામગીરી થાય છે. અન્ય 2 બે ગેટ પર મુસાફરો RT-PCR રિપોર્ટ પણ કોઈને બતાવતા નથી અને ટેસ્ટિંગ પણ કરતા નથી. એમ જ સીધા શહેરમાં પ્રવેશી જાય છે, જે ખરેખર સુરત શહેર માટે ખૂબ જ મોટું જોખમ છે.
મોટા ભાગે મહારાષ્ટ્રથી ટ્રેનમાં આવનારા મુસાફરો સીધા ઉધના રેલવે સ્ટેશન ઉપર ઊતરે છે, જેનું સૌથી મહત્ત્વનું કારણ એ છે કે ઉધના રેલવે સ્ટેશનથી મહારાષ્ટ્રિયન લોકોની વસતિ ઉધના પાંડેસરા અને લિંબાયત વિસ્તારમાં જોવા મળે છે, જ્યાં તેમના સંબંધીઓ રહેતા હોય છે, તેથી સુરત રેલવે સ્ટેશન પર ઊતરવાને બદલે તમામ મહારાષ્ટ્રના મુસાફરો ઉધના રેલવે સ્ટેશન ઉપર ઊતરવાનું પસંદ કરે છે. તેથી વહીવટી તંત્રે આ બાબતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી ઉધના રેલવે સ્ટેશન ઉપર આરોગ્ય વિભાગની ટીમને બેસાડીને ગંભીરતાપૂર્વક તમામ મુસાફરોનું ટેસ્ટિંગ કરવું અત્યંત આવશ્યક બની જાય છે.
મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન ઉપર મુસાફરો આવી રહ્યા છે. એ ખરેખર ખૂબ જ ગંભીર સ્થિતિ છે. અત્યારે પણ સુરત સિવિલ હોસ્પિટલની અંદર મહારાષ્ટ્રના મોટા ભાગના દર્દીઓ જોવા મળી રહ્યા છે. ત્યારે નંદુરબાર, ભુસાવલ તરફથી આવનારા લોકોનું કોરોના ટેસ્ટિંગ થાય એ ખૂબ જ જરૂરી છે, નહીં તો હજી પણ શહેરની સ્થિતિ આના કરતાં ખરાબ થઇ શકે છે.
શહેરમાં કોરોના બેકાબૂ થઈ ગયો છે. તમામ વિસ્તારો હવે જાણે રેડ ઝોન બની ગયા છે. ઉધના પાંડેસરા અને લિંબાયતમાં પણ સતત કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. મહારાષ્ટ્રિયન ફેમિલીમાં પણ કોરોના પોઝિટિવ હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે રેલવે તંત્રે પણ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ, સાથે-સાથે કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ રેલવે સ્ટેશનો પર નક્કર કામગીરી થાય અને એમાં પણ ઉધના રેલવે સ્ટેશન ઉપર અલાયદી વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય લેવો જોઈએ.