‘તેરે બિના જિંદગી સે કોઇ શીકવા નહીં’ ‘તેરે બીના જીંદગી ભી લેકીન જીંદગી તો નહીં જીંદગી નહીં’ છેલ્લાં 17 વર્ષથી પોતાના પતિનો ઈન્તજાર કરતી બીમાર પત્ની અને ‘તુમ ઘર કબ આઓગે?’ જેવા અનેક સવાલોને આંશુભીની આંખોમાં લઇને રહિતા પરિવારજનોએ વધુ એક દિવાળી આ દર્દ સાથે વિતાવી.
જામનગરના દરિયેથી 17 વર્ષ પહેલાં દુબઇ કમાવવા માટે નિકળેલા વહાણ દરિયામાં ડુબતા 16 જેટલા વ્યક્તિઓને પાકિસ્તાની સિકયોરિટીએ બચાવ્યા હતા પરંતુ બચાવ્યા બાદ તેઓને પાકિસ્તાનની જેલમાં હજુ સુધી રાખ્યા છે. જ્યારે તેમના પરિવારજનો છેલ્લાં 17 વર્ષથી પોતાના પરિવારજનની આવવાની રાહ જોઇ રહ્યા છે.
જામનગર શહેરના સાધના કોલોનીમાં રહેતા મૂળ સલાયાના વતની અક્ષય અશ્ર્વિનભાઈ તુરી નામના યુવાનનું જણાવાનું છે કે, લગભગ 2006 માં તેમના પિતા અશ્ર્વિનભાઈ તુરી કે જેઓ મુળ દરજીના વ્યવસાય સાથે સંકળાયેલા હતાં. તેઓએ પોતાના મિત્રો સાથે વહાણમાં રોકાણ કર્યુ હતું. પોતાની દુકાન, દાગીના સહિતની મિલ્કત વેંચીને વહાણ ભાગીદારીમાં ખરીદ કર્યુ હતું. ત્યારબાદ કચ્છના તુણા બંદરથી દુબઈ જવા માટે સાત વહાણ સાથે નિકળ્યા હતાં. મધદરિયે તોફાન ઉપડતા પાંચ વહાણો પરત ફર્યા હતાં. જ્યારે અશ્ર્વિનભાઈ સહિતના બે વહાણો એ આગળ વધવા માટે હિંમત દર્શાવી હતી. પરંતુ સમયને કઇંક બીજું જ મંજૂર હશે. અને નસીબે તેમનો સાથ ન આપતા વહાણ દરિયામાં ડુબવા લાગ્યું આ સમયે પાકિસ્તાનની બોર્ડર નજીક હતી અને પાકિસ્તાન સિકયોરિટીએ આ 16 જણાને બચાવ્યા હતાં. અને ત્યારબાદ તેમને પાકિસ્તાનના કરાંચીની લાન્ડી જેલમાં કેદ કર્યા છે.
છેલ્લાં 17 વર્ષથી પિતા પાકિસ્તાની જેલમાં છે. તાજેતરમાં પાકિસ્તાની જેલમાં રહેલા ભારતીય માછીમારોને મુકત કરાયા હતાં અને દિવાળી પર્વ પર તેઓ પોતાના વતન પરત ફર્યા હતાં. પરંતુ હજુ અનેક કેદીઓ વર્ષોથી પાકિસ્તાનની જેલમાં છે અક્ષય છેલ્લાં 17 વર્ષથી પોતાના પિતાને જેલમાંથી મુકત કરાવવા માટે સરકારને વખતો વખત રજૂઆત કરે છે. જ્યારે 17-17 વર્ષથી પોતાના પતિની રાહ જોતી બિમાર પત્નીની આંખમાંથી જાણે આંશુ સુકાતા નથી. ભાઈઓની મદદથી પુત્રોને અભ્યાસ કરાવીને છેલ્લાં 12 વર્ષથી પત્ની ઉર્મિલાબેનને પેરાલીસીસનો એટેક આવતા પથારીવસ થયા છે. જ્યારે મોટો દિકરો મનિષ કચ્છમાં નોકરી કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે અક્ષય એન્જીનિયરીંગનો અભ્યાસ કરે છે. આમ બે પુત્રો અને પત્નીને મૂકીને અશ્ર્વિનભાઈ પણ પાકિસ્તાનની જેલમાં વતન પરત ફરવાની ઘડીની રાહ જોઇ રહ્યા છે. ત્યારે આ વર્ષે વધુ એક દિવાળી તેમના પરિવારજનો એ આ દર્દ સાથે વિતાવી હતી.