જામનગર મુકામે ગુર્જર સુતાર જ્ઞાતિના સભ્યો વિનોદ કરશનભાઇ સંચાણીયા રે. લંડન તથા દિલીપભાઇ ગોવિંદભાઇ ગોરેચા રે. જામનગરવાળા ટ્રસ્ટી દિલીપભાઇ ભારદીયા તથા અન્ય ટ્રસ્ટીઓને રાજીનામા આપી દેવા દબાણ કરતા હોય અને તે માટે તેઓ લંડન બેઠા બેઠા આરોપી દિલીપભાઇ ગોરચાને ઉભા કરી સમાજમાં ફરીયાદી તથા અન્ય ટ્રસ્ટીઓ વિરુધ્ધ જ્ઞાતિના સભ્યોને ભડકાવે છે. ચડામણી કરે છે અને ફરીયાદી તથા અન્ય ટ્રસ્ટીઓને સમાજમાં બદનામ કરવા તથા હલકા પાડવાના ઇરાદાથી તેઓ વિરુધ્ધ સોશિયલ મીડિયા મારફતે અયોગ્ય, અભદ્ર, ઉશ્કેરણીજનક અને ધમકીભર્યા મેસેજ વાયરલ કરવામાં આવે છે અને આ રીતે આરોપીઓ દ્વારા સમાજની શાંતિને ડહોળવાનો હિન પ્રયાસ કરેલ છે.
તા. 7-2-20ના રોજ વિશ્ર્વકર્મા જયંતિ ઉત્સવ તેમજ જ્ઞાતિ સમુહ ભોજન માટેના આયોજનની મિટિંગ તા. 27-12-20ના રોજ વિશ્ર્વકર્મા મંદિર, પંચેશ્ર્વર ટાવર ખાતે રાખવામાં આવેલી ત્યાં પણ વિનોદભાઇ સંચાણીયાની સૂચનાથી તેમના મળતીયા આરોપી નં. 2 વાળા તેમના સાગરીતો સાથે આવેલ અને ત્યાં પણ અંધાધુંધી ફેલાવવાના ઇરાદાથી જેમ ફાવે તેમ બોલેલા અને ધમકીઓ પણ આપેલી પરંતુ તે વખતે સમાજના ઘણા માણસો હાજર હોય તેઓ ફાવેલ નહીં અને ત્યારબાદ પણ ટ્રસ્ટીઓને બદનામીનો ભય બતાવી બ્લેક મેઇલીંગ કરી નાણાં પડાવવાનો પણ પ્રયાસ કરવામાં આવેલ અને જ્ઞાતિના ભંડોળમાંથી ગેરકાયદેસર રીતે લોન આપવા દબાણ કરતા હતાં.તા. 1-1-20ના રોજ જ્ઞાતિના કમિટી મેમ્બર કમલેશભાઇ મોનજીભાઇ પેશાવરીયા કે જેઓની દુકાન સત્યમ કોલોની પાસે આવેલ છે ત્યાં દિનેશ જીવણભાઇ ભારદીયા તથા પરેશ રમણિકલાલ ભારદીયાએ આવીને રાજીનામુ આપવાની ધમકી આપેલ કે રાજીનામુ નહીં આપ તો તારા શું હાલ થાય છે તે જોઇ લેજે આ અંગેની ફરિયાદ અરજી પણ કમલેશભાઇએ તા. 1-1-20ના રોજ આપી હતી.જામનગર ગુર્જર સુતાર જ્ઞાતિની મહિલાઓ દ્વારા જ્ઞાતિની જગ્યામાં જ જ્ઞાતિના હોદ્દેદારોની દેખરેખ હેઠળ વિશ્વકર્મા મહિલા જાગૃતિ સંસ્થાના નામથી જ્ઞાતિની મહિલાઓના વિકાસ માટે કામગીરી કરે છે અને તેઓ દ્વારા વિશ્વકર્મા જાગૃતિ સંગઠન નામનું ગ્રુપ બનાવવામાં આવેલ અને તે ગ્રુપમાં પણ મોટાભાગની મહિલાઓ હોવા છતાં આરોપી તથા તેમના મળતિયા દ્વારા બિભત્સ ક્લિપો મૂકવામાં આવે છે અને ટિપ્પણીઓ કરવામાં આવે છે.આ ફરિયાદ ટ્રસ્ટી દિલીપભાઇ ભારદીયાએ જામનગર પોલીસમાં કરવા છતાં કોઇ પરિણામ ન આવતા કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા કોર્ટે બંને આરોપીઓ સામે પોલીસ તપાસનો આદેશ ફરમાવેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ પરેશ અનડકટ તથા અજય ઘુચલા રોકાયા હતાં.