જામનગર નજીક હાપામાં આવેલી જય ખોડિયાર ગરબીનું 33 વર્ષથી સંચાલન કરી રહેલા એક ગરબી સંચાલકે ગરબીના સ્થળની કોમન પ્લોટની જગ્યા બે શખ્સો પચાવી પાડતા હોવાથી બન્નેના ત્રાસના કારણે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી હતી. મૃતકના પરીવાર તેમજ ગ્રામજનો દ્વારા જગ્યા પચાવનારા સામે જિલ્લા પોલીસ વડા સમક્ષ અરજી કરાતાં સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસના અંતે બંને માથાભારે શખ્સો સામે ગરબી સંચાલકને આત્મહત્યા કરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવાઈ છે.
આ અંગેની વિગત મુજબ, હાપામાં હનુમાનજીના મંદિર પાસે રહેતા અને છેલ્લા 33 વર્ષથી જય શ્રી ખોડીયાર ગરબી મંડળના નામથી ગરબી ચલાવતા હરિભાઈ વાલાભાઈ છેયા (ઉ.વ.વર્ષ 52) એ ગત 21 જુલાઈના રોજ ગરબીચોક મામલે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ મોત નિપજ્યું હતું. ગરબી ચોકમાં રમી રહેલી નાની બાળાઓ કે જેઓનું ગરબી નું મેદાન પચાવી પાડવામાં આવતું હોવાથી પોતાની જાન કુરબાન કરે છે, તેમ કહી આ પગલું ભરી લીધું હતું. પોલીસે હરિભાઈના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉપરોક્ત મામલે મૃતક હરિભાઈના પુત્ર દિનેશભાઈએ જામનગરના જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી, અને ઉપરોક્ત ગરબી વાળી જગ્યા હાપા ગામના જ માથાભારે શખ્સો ભાણાભાઈ રાણાભાઈ તથા વનરાજભાઈ લોખીલ પચાવી પાડવા માંગતા હોવાથી અને તે જગ્યામાં પેશકદમી કરી લીધી હોવાથી તે બંનેના ત્રાસના કારણે જ પોતાના પિતાએ જીવ ગુમાવ્યો છે, તેવી અરજી આપી હતી. જેમાં ગ્રામજનો પણ જોડાયા હતા.
જે અરજી સંદર્ભે પંચકોશી એ ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ દરમિયાન હરિભાઈ છેલ્લા 33 વર્ષથી હાપામાં ખોડીયાર ગરબી મંડળના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે અને હાપામાં કોમન પ્લોટની જગ્યામાં નાની નાની બાળાઓ ગરબે રમે છે. બંને શખ્સોએ આ જગ્યા પચાવી પાડી વંડો બાંધવાનું વગેરે કામ શરૂ કરી દીધું હતું. જેથી બનાવના એક મહિના પહેલા હરિભાઈ દ્વારા મામલતદાર સમક્ષ અરજી કરવામાં આવી હતી, અને કોમન પ્લોટની જગ્યામાં દબાણ નહીં કરવા વાંધા લેવાયા હતા તેમજ હરિભાઈએ વિનંતી કરી અને બાળાઓ ગરબી રમે તેટલી જગ્યા છોડી દેવા માટેની પણ વિનંતી કરી હતી. પરંતુ બંને શખ્સોને માન્ય ન હોવાથી આખરે ગરબી મંડળની બાળાઓ માટે સંચાલકે આત્મહત્યા કરી હતી. આખરે પંચકોશી એ ડિવિઝન પોલીસે મૃતકના પુત્ર વિનોદ છેયાની ફરિયાદના આધારે ભનાભાઈ રાણાભાઈ લોખીલ અને વનરાજભાઈ જેઠાભાઈ લોખલ સામે મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
હાપામાં ગરબી સંચાલકની ઝેર પી લઈ આત્મહત્યા પ્રકરણમાં બે શખ્સો સામે ગુન્હો
33 વર્ષથી ચાલતી ગરબી વાળી કોમન પ્લોટની જગ્યા બે શખ્સો પચાવી પાડતા હોવાથી તેના ત્રાસના કારણે આત્મહત્યા : મૃતકના પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા બન્ને શખ્સો સામે અરજીના અંતે ફરિયાદ


