ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે એક ગરીબ વૃદ્ધાની ખેતીની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવા સબબ નાના આસોટા ગામના તેમના જ ભત્રીજાઓ સામે મહિલાની ફરિયાદ પરથી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની ખંભાળિયા પોલીસ દફતરે થયેલી વિગત મુજબ ખંભાળિયાના સંજયનગર- હર્ષદપુર વિસ્તારમાં રહેતા અને મૂળ કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામના રહીશ પુંજાબેન રાયસુરભાઈ ગોપાલભાઈ ધારાણી નામના 85 વર્ષના વૃદ્ધાના પતિ આશરે આઠેક વર્ષ પૂર્વે અવસાન પામ્યા છે.
ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે આ મહિલાની જુના રેવન્યુ સર્વે નંબર 195/1 તથા નવા સર્વે નંબર 181 માં ચાર વીઘા જેટલી વડીલોપાર્જિત ખેતીની જમીન આવેલી છે. ફરિયાદી પૂંજાબેન ધારાણી છ બહેનો હોય અને એક પણ ભાઈ ન હોવાથી અગાઉ તેમના માતા સોનાબેનએ તેણીના મોટા બાપુના દિકરા અલાભાઈ સંધીયાને ખેડવા માટે આ જમીન આપી હતી. જે બદલ આલાભાઈ સોનાબેનને જીવનનિર્વાહનો ખર્ચ આપતા હતા.
ફરિયાદી પુંજાબેનના પિતા આશરે 35 વર્ષ પહેલા જ્યારે તેણીના માતા સોનાબેન આજથી આશરે 17 વર્ષ પૂર્વે અવસાન પામ્યા બાદ આલાભાઈ સંધીયાના પુત્ર અને પુંજાબેનના ભત્રીજા રામાભાઈ આલાભાઈ સંધીયા અને કાયાભાઈ રાયદેભાઈ સંધીયા ઉપરોક્ત જમીન ખેડતા હતા.
પાંચ પુત્ર અને પાંચ પુત્રીઓના માતા પુંજાબેન રાયસુરભાઈ ગઢવીની નાના આસોટા ગામે આવેલી ઉપરોક્ત ખેતીની જમીન છેલ્લા ઘણા વર્ષોથી તેના ભત્રીજાઓ રામા અને કાયાએ ખેડી અને તેમાંથી ઉપજ મેળવી, તેમને કોઈપણ જાતનું વળતર પણ આપવામાં ન આવતું હોવાથી આ સમગ્ર પ્રકરણ અંગે તેણીએ ખંભાળિયા પોલીસ મથકમાં તેમના બંને ભત્રીજાઓ રામા આલા તથા કાયા રાયદે સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
જે સંદર્ભે ખંભાળિયા પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણના બંને આરોપીઓની પોલીસે અટકાયત કરી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.