જામજોધપુર તાલુકાના માલવડા ગામમાં ટ્રાન્સફોર્મર સાથે સીધુ વિજ જોડાણ જોડી વિજચોરીમાં બેલાની ખાણમાંથી રૂા. 54 લાખની વિજચોરી ઝડપાવવાના કેસમાં જીયુવીએનએલ પોલીસ દ્વારા છ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના માલવડા ગામના સરકારી ખરાબાના વિસ્તારમાં બેલાની ખાણમાં ખેડાભાઇ નથુભાઇ વૈઇશ દ્વારા ડાયરેકટ વિજજોડાણ મેળવી 11 કેવી જેજીવાયમાંથી 63 કેવીનું ટ્રાન્સફોર્મર અનિધિકૃત રીતે જોડી કુલ 37,770 કિલો વોટનો વિજભાર વપરાશમાં લઇને વિજ ચોરી કરી હતી. આ અંગે ગત તા. 24-1-2023ના રોજ વિજ તંત્રએ વિજચોરી ઝડપી લઇ રૂા. 54,81,332ની વિજ ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. જામજોધપુર ઇસ્ટ નાયબ ઇજનેર સિરીશકુમાર પટેલ દ્વારા આ વિજ ચોરીની ફરિયાદ નોંધાવતાં જીવીયુએનએલ પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ વિજચોરીના કેસમાં નાયબ પોલીસ અધિક્ષક વી.એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ જામનગર જીયુવીએનએલ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે. ઝાલા સહિતના સ્ટાફ દ્વારા આ કેસની તપાસ હાથ ધરતાં વિજ ચોરી કરનાર ખેડા નથુ વૈઇશએ બેલા ખનન માટે ગેરકાયદેસર રીતે ડાયરેકટ વિજ જોડાણ મેળવી વિજ ચોરી ગેરકાયદેસર ટ્રાન્સફોર્મર મારફત કરી હોવાનું પૂછપરછમાં ખુલ્યું હતું. જેમાં તેણે ચંદ્રેશ છના વાંદા પાસેથી ટ્રાન્સફોર્મર ખરીદ કર્યું હતું અને ફૈઝાન ફિરોઝ ઝાખરાણી તથા ઇકબાલ જમાલ કડીવાલએ વિજ ટ્રાન્સફોર્મર પહોંચાયું હતું તથા જેતપુરમાં સરકારી સ્ટોલમાંથી ટ્રાન્સફોર્મર સરકારી જગ્યા પર મુકી આપવાનો કોન્ટ્રાકટ વર્ક ઓર્ડર ધરાવતાં નવનીત અરવિંદ રાબડીયા તથા પિયુષ વલ્લભ રામોલીયાએ નિયત જગ્યા પર ટ્રાન્સફોર્મર ન લગાવી બારોબાર વહેંચી નાખ્યું હતું. આમ કુલ 6 શખ્સો વિરુધ્ધ વિજ ચોરી ઉપરાંત વિજ ટ્રાન્સફોર્મર મટિરિયલ ગેરકાયદેસર રીતે ચોરી તેને વહેચી વિજ ચોરી કરાવવામાં વિજ ટ્રાન્સફોર્મર પુરું પાડવા અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ કેસમાં પુરાવાઓ એકત્ર કરી પીઆઇ એસ.જે. ઝાલા તથા હેકો રણજીતસિંગ લુબાના તથા પોલીસ સહાયક અશોક કલ્યાણી, દિનકર અઘેડા અને શૈલેષ બાબરીયા દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતાં.