ખંભાળિયાના પોલીસ સ્ટેશન પાછળ આવેલા કુંભારવાડા વિસ્તારના મુળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે રહેતા તથા ઈંડાની લારી ધરાવતા સિદ્દીકભાઈ મુસાભાઈ સાટી નામના 37 વર્ષના પીંજારા મુસ્લિમ યુવાન સાથે ચાચલાણા ગામના રહીશ કિરીટવન મારાજ, મટુબેન કોળી, દેવશીભાઈ કોળી તથા પાલાભાઈ કોળી નામના ચાર વ્યક્તિઓએ એકસંપ કરી, લાકડી વડે તથા ઢીકા પાટુંનો માર મારી, ફ્રેકચર સહિતની ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી સાદીકભાઈના મિત્ર સાજીદભાઈ સાથે આરોપીઓને અગાઉ મનદુ:ખ હોય, ફરિયાદીને સાજીદને બોલાવી લેવાનું કહી, મિત્રના મનદુ:ખના કારણે આ સમગ્ર બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મહિલા સહિત ચાર શખ્સો સામે આઇ.પી.સી. કલમ 323, 325, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.