ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઇને ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. હિંમતનગરમાં ભાજપનો પેજ સમિતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે વિધાનસભાની ચૂંટણીને લઇને મોટું નિવેદન આપ્યું છે.
ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું છે કે આગામી સમયમાં 100 જેટલા નવા ધારાસભ્યો શોધવાના છે ,ધારાસભ્યોનું ઉપરથી નક્કી થાય છે, હું કોઈને કાપી શકુ નહીં કે કોઈને આપી શકું નહીં, ધારાસભ્યોએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં. ભાજપે નો-રિપીટ થીયરીથી મહાનગરોમાં મોટી સફળતા મેળવી છે. સીઆર પાટીલનું આ નિવેદન સ્પષ્ટ સૂચવે છે કે સક્રિય નહી હોય તેવા ધારાસભ્યોને ટીકીટ આપવામાં આવશે નહી.
ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપે પ્રચાર-પ્રસાર શરૂ કર્યો છે. આ માટેની એક બ્લૂ પ્રિન્ટ સરકાર અને સંગઠને સાથે મળીને તૈયાર કરી છે, જેમાં નવા મંત્રીઓની યાત્રા બાદ પક્ષના નેતાઓ દિવાળી પર આખા રાજ્યમાં ફરશે, સાથે સાથે પ્રજાના પ્રશ્નો અને ફરિયાદોના તાત્કાલિક ઉકેલ માટેની વ્યવસ્થા ગોઠવશે.