કોરોના વાયરસ સામેની લડતમાં ભારતની સ્વદેશી રસી નિર્માતા ભારત બાયોટેકે કોવેક્સિનના ત્રીજા અને અંતિમ તબક્કાનું ટ્રાયલ પૂર્ણ કર્યું છે અને તેના પરિણામો પણ જાહેર કર્યા છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ કહ્યું છે કે તેણે કોવેક્સિન માટેના અંતિમ તબક્કા -3 ના ડેટાનું વિશ્લેષણ કર્યું છે અને કોરોનાના ગંભીર દર્દીઓ અને ડેલ્ટા વેરિઅન્ટના દર્દીઓમાં પણ રસી અસરકારક હોવાનું સામે સામે આવ્યું છે.
ભારત બાયોટેકે પોતાની કોવિડ રસી કોવેક્સિનના ત્રીજા ફેઝના ટ્રાયલના પરિણામ જાહેર કર્યા છે. જે મુજબ કોવેક્સિન કોરોના વિરુદ્ધ 77.8% અસરકારક છે. જ્યારે ખતરનાક ડેલ્ટા વેરિઅન્ટ સામે તે 65.2% અસરકારક છે. ત્રીજા તબક્કાની ટ્રાયલમાં કુલ 24,419 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 12,221 લોકોને અસલી વેક્સીનના બંને ડોઝ અપાયા હતા. કોરોના વાયરસના ગંભીર સંક્રમણનો ભોગ બનેલા લોકોની વાત કરીએ તો કોવેક્સીન તેના વિરુદ્ધ 93.4% પ્રભાવી જણાઈ છે. આ ઉપરાંત એ પણ જાણવા મળ્યું છે કે 60 વર્ષથી ઉપરના લોકોમાં કોવેક્સીન 67.8% પ્રભાવી છે. અને 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો પર 79.4% પ્રભાવી છે.
ત્રીજા ફેઝની ટ્રાયલ દરમિયાન કુલ 99 વોલેન્ટિયર્સમાં ગંભીર સાઈડ ઈફેક્ટ્સ પણ જોવા મળી. જેમાંથી 39 વોલેન્ટિયર્સ અસલ રસીવાળા અને 60 પ્લેસિબો વાળા હતા. ત્રીજા ફેઝની ટ્રાયલમાં ભાગ લેનારા 15 વોલેન્ટિયર્સના મોત પણ થયા છે. જેને લઈને કંપનીએ કહ્યું છે કે તેમાંથી કોઈ પણ વોલેન્ટિયરના મોતનું કારણ રસી કે પ્લેસિબોની આડઅસર નહતી. તેમાંથી 5 વોલેન્ટિયર્સને અસલ રસી અને 10 ને પ્લેસિબો અપાઈ હતી.