જામનગરમાં સગીરાના અપહરણ અને બળાત્કારના ત્રણ કેસમાં ત્રણ આરોપીઓને જામનગરની કોર્ટે 10-10 વર્ષની સજા ફટકારી છે. જામનગરના ગુલાબનગર, શંકરટેકરી તેમજ જોડિયા પંથકમાં સગીરાના અપહરણ તથા બળાત્કારના ગુના નોંધાયા હોય આ ગુનાના કારણે જામનગર કોર્ટે આરોપીઓને તકસીરવાન ઠેરવી 10-10 વર્ષની સજા ફટકારી સગીરાને ન્યાય આપતો દાખલો બેસાડયો છે અને આરોપીઓને આકરી સજા ફટકારી છે.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક પરિવારની 17 વર્ષીય સગીરાને ગણેશ માનસિંગ કંસારા નામનો શખ્સ અપહરણ કરી વાલીપણામાંથી ઉઠાવી ગયો હતો અને જુદા જુદા સ્થળોએ લઇ જઈ તેણી સાથે બળજબરી પૂર્વક શારીરિક સબંધ બાંધ્યો હતો.
અન્ય એક બનાવમાં વર્ષ 2016માં જામનગરમાં જ શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક પરિવારની 15 વર્ષીય પુર્ત્રીને સાગર કરશન સોલંકી નામનો શખ્સ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઇ ગયો હતો. આ બનાવ બાદ આરોપીના પરિવારજનોએ પણ તેણીના પરિવારજનોને અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઉપરાંત જોડિયા તાલુકામથકે પણ વર્ષ 2017માં જાંબુડા ગામે હાલ મજુરી કામ કરતા એક પરિવારની સગીર પુત્રીનું રાહુલ ગેલાભાઈ પરમાર નામનો શખ્સ અપહરણ કરીને લઈ ગયો હતો અને સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ પણ આચર્યું હતું.
આ ત્રણેય બનાવ અંગે નોંધાયેલ પોલીસ ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને પકડી જેલ હવાલે કરી ચાર્જસીટ રજૂ કર્યું હતું. આ ત્રણેય કેસ ચાલી જતા પોક્સો અદાલતના ન્યાયાધીસ કે.આર. રબારીએ તમામ પૂરાવાઓ અને જુબાનીઓ તેમજ ડોકટરી અભિપ્રાયના આધારે ત્રણેય આરોપીઓને જુદી-જુદી ધારાઓમાં કસુરવાર ઠેરવી 10 વર્ષની સજાનો હુકમ કર્યો હતો.