જામનગર તાલુકાના બેડ ગામમાં રામ મંદિરની પાસે ભરાયેલા મેળામાં કટલેરીનો વેપાર કરવા ગયેલા યુવાને સ્ટોલની પાછળથી નિકળવાની ના પાડતા બે શખ્સોએ દંપતીને ગાળો કાઢી લાકડી વડે માર મારી મરચાની ભૂકી ઉડાડી સામન વેર વિખેર કરી નાખ્યો હતો.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં દરબારગઢ વિસ્તારમાં રહેતાં ચાંદનીબેન અને તેમના પતિ નિતિનભાઈ ભટ્ટી બંને રામનવમીના દિવસ જામનગર તાલુકાના બેડ ગામમાં રામ મંદિર પાસે ભરાયેલા મેળામાં કટલેરીનો વેપાર કરવા ગયા હતાં અને રામ નવમીના દિવસે સાંજના સમયે દંપતીના સ્ટોલના પાછળના ભાગેથી ક્રિપાલસિંહ નિકળતા નિતિનભાઈ તેમને આ બાબતે કહેેવા ગયા હતાં તે દરમિયાન નિતિનભાઇ સાથે ક્રિપાલસિંહ તથા અરૂણ નામના બે શખ્સોએ ઝપાઝપી કરી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ચાંદનીબેન અને તેમના પતિ નિતિનભાઇ ઉપર લાકડી વડે તથા ઢીકાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી. ઉપરાંત મરચાની ભૂકી ઉડાડી કટલેરીનો સામાન વેર વિખેર કરી નુકસાન કર્યુ હતું. હુમલાના બનાવ અંગેની જાણ કરાતા પોલીસે ચાંદનીબેનના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.