જામનગર શહેરની નિલકમલ સોસાયટીમાં રહેતાં વિપ્ર પરિવારનો બાળક તેના મિત્રો સાથે રિક્ષામાં મોબાઇલ ગેમ રમતો હતો ત્યારે પાડોશી શખ્સને છોકરાઓ દેકારો કરતા હોવાથી જે ગમતું ન હોવાથી શખ્સે બાળકના માતા-પિતાને ગાળો કાઢી લોખંડના પાઈપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં નિલકમલ સોસાયટી શેરી નંબર 5 માં રહેતાં જયેશભાઈ કાંતિભાઈ ગોપીયાણી નામના વિપ્ર યુવાનનો પુત્ર તેના મિત્રો સાથે ઘર પાસે રીક્ષામાં મોબાઇલ ગેમ રમતા હતાં તે દરમિયાન નિલકમલ સોસાયટીમાં જ રહેતાં અને ઓફિસ ધરાવતા જશા ભારવડીયા નામના શખ્સે છોકરાઓને દેકારો કરવાની ના પાડી રમવાની મનાઇ કરી હતી. જેથી જયેશભાઈ તથા તેમના પત્ની એ જેશાને કહ્યું કે, બાળકો અમારા ઘર પાસે ન રમે તો કયાં જાય ? તેમ કહેતા ઉશ્કેરાયેલા જેશાભાઈએ લોખંડના પાઈપ વડે જયેશભાઈ અને તેમના પત્ની મનિષાબેન ઉપર હુમલો કરી માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
સામાપક્ષે જેશા જીવા ભારવડીયા નામના યુવાન ઉપર છોકરાઓને ગાળો ના દેવાની બાબતે જયેશ, મનિષાબેન, ગૌતમ તથા ત્રણ અજાણ્યા છોકરાઓ સહિતના છ શખ્સોએ એકસંપ કરી લાકડી તથા પાઈપ અને લાકડાના બેટ વડે જેશાભાઈ ઉપર હુમલો કર્યો હતો. બંને પક્ષ દ્વારા કરાયેલા સામસામા હુમલામાં ઘવાયેલા ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પીએસઆઈ એન.પી. જોશી તથા સ્ટાફે જયેશભાઇના નિવેદનના આધારે જશા ભારવડીયા વિરૂધ્ધ હુમલો કરી ધમકી આપ્યાનો તથા સામાપક્ષે જેશા ભારવડીયાની ફરિયાદના આધારે જયેશભાઈ, પત્ની મનિષાબેન સહિતના છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.