જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા મેહુલ પાર્કમાં ગેરકાયદેસર દિવાલ તોડવા માટે ગયેલા મહાનગરપાલિકાની એસ્ટેટ ઓફિસરની ફરજમાં રૂકાવટ કરી અપશબ્દો બોલી અન્ય મહિલાને ફડાકા મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે દંપતી વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગાંધીનગર નજીક આવેલા મેહુલપાર્ક વિસ્તારમાં રહેતા હિતેન્દ્રસિંહ ભગવાનજી વાળા અને તેમના પત્ની તેજલબાના મકાનની ગેરકાયદેસર ખડકેલી દિવાલ તોડવા માટે મંગળવારે સાંજના સમયે મહાનગરપાલિકાના એસ્ટેટ ઓફિસર નીતિન દિક્ષીત અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગેરકાયદેસર દિવાલ તોડતા હતાં તે દરમિયાન દંપતીએ એસ્ટેટ ઓફિસર અને તેમના કર્મચારીઓને ફરજમાં રૂકાવટ કરી અપશબ્દો બોલી હુમલો કર્યો હતો તેમજ દંપતીના ઘરની સામે રહેતા નિરુબા નામના મહિલાને પણ તેજલબાએ ત્રણ ફડાકા મારી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. ગેરકાયદેસર દિવાલ તોડવા ગયેલી મહાનગરપાલિકાની ટીમ ઉપર થયેલા હુમલાને કારણે વાતાવરણ તંગ બની ગયું હતું.
એસ્ટેટ ઓફિસર અને તેની ટીમ ઉપર દંપતી દ્વારા કરાયેલા હુમલાની જાણ કરાતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને નીતિન દીક્ષિતના નિવેદનના આધારે હિતેન્દ્રસિંહ વાળા અને તેમના પત્ની તેજલબા વિરુધ્ધ ફરજમાં રૂકાવટ અને હુમલાનો ગુનો નોંધી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના મેહુલપાર્કમાં એસ્ટેટ ઓફિસર ઉપર દંપતીનો હુમલો
ગેરકાયદેસર દિવાલ તોડવા ગયેલી ટીમની ફરજમાં રૂકાવટ : માર મારી પતાવી દેવાની ધમકી : પાડોશમાં રહેતા અન્ય મહિલાને ફડાકા ઝીંકયા