જામનગરમાં તાજેતરમાં પટેલ સમાજની ચૂંટણી યોજાઇ હતી. જેમાં મતદાન બાદ આજીવન ટ્રસ્ટી દ્વારા હાઇકોર્ટમાં કેસ પેન્ડીંગ હોવાના મુદ્ે વાંધા અરજી આપવામાં આવી હતી. જેને ધ્યાને લઇ પટેલ સમાજની ચૂંટણીની મતગણતરી સ્થગિત રાખવામાં આવી હતી. જે આગામી આજરોજ કારોબારી સભ્યો પુરતી મત ગણતરી યોજાઇ હતી. 15 સભ્યોની કારોબારીના 32 ઉમેદવારો પુરતી મત ગણતરી હાથ ધરવામાં હતી. જ્યારે ટ્રસ્ટીઓની ચૂંટણીઓની મત ગણતરી હાઇકોર્ટના હુકમ બાદ હાથ ધરવામાં આવશે. તેમ મદદનિશ ચેરીટી કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
જામનગર જિલ્લામાં જ્ઞાતિગત સૌથી મોટી સંખ્યા ધરાવતાં લેઉવા પટેલ સમાજની કારોબારી અને ટ્રસ્ટીઓની ચૂંટણી ગત તા. 14 એપ્રિલના રોજ યોજાઇ હતી. જેમાં 3 હજાર જેટલા મતદારોએ 15 સભ્યોની કારોબારીની બેઠકો માટે ચૂંટણીમાં ઉભેલા 32 મતદારો માટે 69 ટકા જેટલું ઉંચુ મતદાન કર્યું હતું. મતદાન પૂર્ણ થયા બાદ એક ટ્રસ્ટી દ્વારા ચૂંટણી અધિકારી ડી.જી. શેઠને ટ્રસ્ટીઓની ચૂંટણી યોજવા અંગેનો મામલો હાઇકોર્ટમાં ગયો હોવાથી મતગણતરી સામે વાંધા અરજી આપવામાં આવી હતી. જે બાદ તા. 26ના રોજ રાજકોટ ખાતેના સંયુક્ત ચેરીટી કમિશનર દ્વારા અપાયેલા માર્ગદર્શન મુજબ ચૂંટણી અધિકારી દ્વારા ટ્રસ્ટીઓને બાદ રાખીને 15 સભ્યોની કારોબારીના 32 ઉમેદવારોને મળેલા મતોની ગણતરી કરવા આદેશ આપ્યો હતો. જેને ધ્યાને લઇ આજે સવારે મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.