જામનગર શહેરના નવાગામ (ઘેડ) વિસ્તારમાં ભીમવાસ નજીક આવેલી મુખ્ય કેનાલની સ્થાનિક કોર્પોરેટર દ્વારા બે વખત રજૂઆત કરાઈ હોવા છતાં આ કેનાલની સફાઈ કરવામાં ન આવતા વોર્ડ નં.4 ના કોંગે્રસના મહિલા કોર્પોરેટર કેનાલે બેસી ગયા હતાં અને જ્યાં સુધી કેનાલની સફાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી ત્યાંથી ઉભા નહીં થાય.
મળતી વિગત મુજબ, ચોમાસાની સિઝન શરૂ થાય તે પૂર્વે જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન કામગીરી હેઠળ કેનાલોનો સફાઈ અને પાણીના નિકાલ માટેની જગ્યા કરવા કામગીરી કરવામાં આવે છે. પરંતુ શહેરના વોર્ડ નં.4 માં નવાગામ (ઘેડ) વિસ્તારમાં ભીમવાસમાં આવેલી મુખ્ય કેનાલની સફાઈ કરવામાં આવી ન હતી. આ અંગેની જાણ વોર્ડ નં.4 ના કોંગે્રસના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા મહાનગરપાલિકાને લેખિતમાં જાણ કરવામાં આવી હતી તેમ છતાં બે-બે દિવસ સુધી આ કેનાલની સફાઈ કામગીરી હાથ ધરવામાં ન આવતા આખરે કોર્પોરેટર રચનાબેન નંદાણિયા આજે સવારે કેનાલ ઉપર જઈને બેસી ગયા હતાં અને જ્યાં સુધી કેનાલની સફાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી કેનાલ ઉપર ધરણાં ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું.