જામનગર શહેરમાં સાત રસ્તાથી નદી સુધી વરસાદી પાણીના નિકાલની કેનાલ આવેલી છે. આ કેનાલ ખુલ્લી હોવાથી દર વર્ષે કચરો ભરાઈ જાય છે. જેથી દર વર્ષે મહાનગરપાલિકા ચોમાસા પૂર્વે કેનાલની સફાઈ કરાવે છે.
જામનગર શહેરમાં અંબર ચોકડીથી સ્વામીનારાયણ નગર સુધી વરસાદી પાણીના નિકાલની કેનાલ સાફ કરવા માટે સફાઈ કામદારોને ઉતારાતા મહિલા કોર્પોરેટરે વિરોધ વ્યકત કર્યો હતો. વિરોધ નોંધાવવા મહિલા કોર્પોરેટર ખુદ કામદારોની સાથે ગંદકીથી ખદબદતી કેનાલમાં ઉતર્યા હતા. નવાગામ ઘેડ વિસ્તારમાં કેનાલની સફાઈ માટે મશીનનો ઉપયોગ થઈ શકે તેમ ન હોય ત્યાં કામદારોને ઉતારાતા સ્થાનિક મહિલા કોર્પોરેટરે વિરોધ વ્યકત કર્યો હતો. મહિલા કોર્પોરેટર રચના નંદાણીયા જાતે કેનાલમાં ઉતર્યા હતા અને કામદારોને પડતી મુશ્કેલીથી વાકેફ કરવાનો પ્રયાસ કર્યો હતો. કામદારો પાસે જીવના જોખમે કામગીરી કરાવાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ મહિલા કોર્પોરેટર દ્વારા અહીં બોક્સ કેનાલ બનાવવાની માગ કરી છે. જો આ અંગે કોઈ વિચારણ હાથ નહીં ધરાય તો કોર્પોરેટરે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.