દેશમાં કોરોનાવાયરસથી દરરોજ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. દરરોજ કોરોનાના કેસોનો આંક નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1 લાખ 31 હજાર 878 કેસ નોંધાયા હતા. ગત વર્ષે વાયરસની શરૂઆત થયા પછી અત્યારસુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓની આ સંખ્યા સૌથી વધુ છે. બુધવારે દેશમાં સૌથી વધુ 1 લાખ 26 હજાર 276 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ગુરુવારે રિકવર થનારા લોકોની સંખ્યા 61 હજાર 829 હતી. સંક્રમણને કારણે 802 લોકોનાં મોત થયાં હતાં. 17 ઓક્ટોબર પછી આ પહેલીવાર છે, જ્યારે એક જ દિવસમાં 800થી વધુ લોકોનાં મોત થયાં છે. 17 ઓક્ટોબરે 1032 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
દેશમાં દર્દીઓને મળવાની ગતિ પણ વધીને 9.21% થઈ છે. એનો અર્થ એ કે હવે દર 100માંથી 9 લોકોને કોરોના પોઝિટિવ સામે આવી રહ્યા છે. ત્રણ અઠવાડિયાં પહેલાં, એટલે કે 11 અને 17 માર્ચની વચ્ચે દર્દીઓ મળવાની ગતિ 3.11%, 18થી 24 માર્ચની વચ્ચે 4.46% અને 25થી 31 માર્ચની વચ્ચે 6.04%ની ગતિએ દેશમાં કોરોના દર્દીઓમાં વધારો થઈ રહ્યો હતો. કોરોના કેસના મામલે ભારત પણ અમેરિકાના માર્ગે જઇ રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ ગયા વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કેસો ખૂબ જ ઝડપથી ઘટવા માંડ્યા હતા, પછી અચાનક ઓક્ટોબરથી એ વધવા લાગ્યા અને ડિસેમ્બરમાં એક મહિનામાં રેકોર્ડ 63.45 લાખ દર્દી મળી આવ્યા હતા.
અમેરિકામાં કોરોનાની પહેલી પીક 24 જુલાઈએ આવી હતી, જ્યારે એક જ દિવસમાં સૌથી વધુ 80 હજાર કેસ નોંધાયા હતા, પરંતુ બીજી પીકમાં આ બધા રેકોર્ડ તૂટી ગયા હતા. 7 નવેમ્બરથી અહીં દરરોજ એક લાખથી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા હતા. 8મી જાન્યુઆરીએ અહીં રેકોર્ડ 3 લાખ 9 હજાર લોકો પોઝિટિવ મળી આવ્યા હતા.
ભારતમાં પણ આવું જ કંઈક થઈ રહ્યું છે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઘણા ઓછા કેસો નોંધાયા હતા, પરંતુ માર્ચથી એ ખૂબ જ વધી ગયા. હવે દરરોજ એક લાખથી વધુ દર્દીઓ વધી રહ્યા છે. ભારતમાં કોરોનાની પ્રથમ પીકમાં એક જ દિવસમાં સૌથી વધુ 97 હજાર લોકો પોઝિટિવ નોંધાયા હતા. આંકડા દર્શાવે છે કે જો આ વખતે જલદીથી સંક્રમણની વધતી ગતિ પર કાબૂ મેળવવામાં નહીં આવે તો પછી અમેરિકા કરતાં પણ પરિસ્થિતિ વધુ વધુ ખરાબ થશે.